નવી પ્રાઈવેસી પોલીસીને લઈ વોટ્સએપ છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. યુઝર્સ દ્વારા નવી પોલિસી વિરુદ્ધ આક્રોશ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. એટલું જ નહીં આ મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલીસીને આઈટી એક્ટ વિરુદ્ધ ગણાવી હતી.
પરંતુ તેમ છતાં વોટ્સએપ તેના આ નવા નિયમો પર અડગ છે અને કોઈ પણ ભોગે નવી પોલિસીમાં ફેરફાર નહીં કરે તેમ જણાવ્યું છે.
આ અગાઉ પણ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વોટ્સએપએ દાદાગીરી પૂર્વક સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે વોટ્સએપનો ઉપયોગ કરવા અમે કોઈને આમંત્રણ આપવા નથી જતા. યૂઝર્સને અમારી નવી પ્રાઇવસી પોલિસી અનુકૂળ ન પડે તો તે એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. અમે આ માટે કોઈને ફોર્સ કરતા નથી.
ઉલ્લેખનીય છે કે થોડાં સમય અગાઉ વોટ્સએપે નવી નીતિ રજૂ કરી હતી. જે મુજબ યુઝર્સના તમામ ડેટા ફેસબુક સાથે શેર થશે અને આ માટે યુઝર્સે નોટિફિકેશન આવતા પરવાનગી પણ આપવી પડશે. અન્યથા એકાઉન્ટ્સ ડીલીટ થઈ જશે. વોટ્સએપની આ દાદાગીરી ભરી નીતિથી યુઝર્સમાં ભારે નારાજગી પ્રવર્તિ હતી અને અંતે ભારે વિરોધ બાદ કંપનીએ આ નવી પ્રાઇવસી પોલિસી 3 મહિના માટે પાછી ખેંચવી પડી હતી. જો કે આ નવા નિયમો પાછા ન જ ખેંચવા પર વોટ્સએપ અડગ છે. યૂઝર્સના પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે.