ગત દિવસોમાં ખેડૂત આંદોલન દરમ્યાન ખુબ ચર્ચિત રહેલા ટુલકીટ કેસ ફરી ગરમાયો છે. બે દિવસ પહેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ ટુલકિટ મુદ્દે આક્ષેપ કરતા મામલો વધુ બિચકાયો છે. સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ભાજપ અને દેશની છબીને દૂષિત કરવા માટે ટૂલકીટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને ટ્વિટરે ’મેનીપ્યુલેટેડ મીડિયા’ની શ્રેણીમાં મૂકતા આ રેલો વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમિતશાહથી માંડી દરેક વિપક્ષી સુધી પહોંચ્યો છે.
ભાજપના નેતા સંબીત પાત્રાની ટ્વિટ ગેરમાર્ગે દોરનારી ગણાવતા ટ્વીટર પર સરકારે એક્શન લીધા છે. આઈટી મંત્રાલયે ટ્વિટરને “હદ”માં રહેવાનું સુચવતા આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે કોઈ યૂઝર્સ કે નેતા પોસ્ટ, ક્ધટેન્ટ ટુલકીટ વિશે પબ્લિશ કરે તે ગેરકાયદે છે કે કેમ ? તેની તપાસ એજન્સી કરશે ખુદ ટ્વિટર નહીં. ટુલકિટ મામલો હજુ તપાસ હેઠળ છે તો કંપની કઈ રીતે કોઈ પોસ્ટને ગેરમાન્ય ગણાવી શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલય જણાવ્યું છે કે ટ્વિટર સંબિત પાત્રાની ટ્વીટને “મેનીપ્યુલેટેડ મીડિયા” શ્રેણીમાંથી હટાવે.
ટવિટર ઇન્ડિયાના કાર્યાલય પર દિલ્હી પોલીસની તપાસ
ટુલકીટ કેસમાં ઘણાં નામી-અનામી હસ્તીઓ ફસાયા છે. તપાસકર્તા એજન્સીઓ આ મુદ્દે છાનભિન કરી રહી છે ત્યારે આ મુદ્દે ભાજપ પ્રવક્તા સંબીત પાત્રા કોંગ્રેસ પર આક્ષેપ કરતા વિવાદ વધુ વધ્યો છે. દેશની અને ભાજપ સરકારની છબીને બગાડવા કોંગ્રેસ ટુલકીટનો ઉપયોગ કરી રહી છે તેવો આરોપ મુકતી પાત્રાની ટ્વીટને ટ્વિટરે મેનિપ્યુલેટેડ મીડિયા એટલે કે ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતી ગણાવતા વિવાદ વધ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે ટ્વિટરને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે કે આવા લેબલ મૂકવા પાછળ શું આધાર છે ?
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસ ટીમએ દિલ્હી સ્થિત ટ્વિટર ઇન્ડિયાની બે કચેરીઓએ તપાસ માટે પહોંચી હતી. ટ્વિટરને ફફડાવવા એક્શન લેતા દિલ્હી પોલીસે કાર્યાલયે પહોંચી છાનભીન કરી હતી. આ મામલે વિપક્ષ પણ કેન્દ્ર પર આક્ષેપોનો ધોધ વરસાવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દિલ્હી પોલીસની કાર્યવાહીને “રેડ રાજ” ગણાવી. આ સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ દિલ્હી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.