માનવ સભ્ય સંસ્કૃતિના વિકાસની લાંબા સમયથી ચાલતી પ્રક્રિયામાં માનવ સમાજ જ્યારે સંપૂર્ણપણે સમજણ અને વહેવારમાં સમજતો થયો હશે ત્યારે વિનીમયની આવશ્યકતા વ્યવહારમાં સમતોલન જાળવવા માટે થઈ હશે. માનવ વ્યવહાર અને લેવડ-દેવડના આયામો દરેક યુગમાં પરિવર્તનશીલ રહ્યાં છે.
એક જમાનો હતો કે, કામના બદલે ચીજવસ્તુઓ આપવાની પ્રથા હતી. ગ્રામ્ય આર્થિક વ્યવહારમાં કૃષિ પ્રધાન ગ્રામ્ય વ્યવસ્થામાં આવશ્યક સેવાઓમાં સુતાર, લુહાર, સઈ, ક્ષોર કામ માટે આખા વર્ષનું અનાજ આપવાની પ્રથા હતી. જૂના જમાનામાં જયારે ચલણી સિક્કા કે વિનીમય દરની ચલણની કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે પશુ ધનને મુડી ગણવામાં આવતી હતી. જે વ્યક્તિ પાસે વધુ પશુધન હોય તેને સમૃધ્ધ ગણવામાં આવતા હતા. પછી પંચગવ્યને મુદ્રાના બદલામાં વિનીમય કરવાનો યુગ આવ્યો.
એક જમાનો હતો કે, લોકો સોનાને વિનીમય દર તરીકે સ્વીકારવા તૈયાર નહતા. સોનામોર અને ચલણી સિક્કા પર રાજમહોરની વિશ્ર્વસનીયતા આવી પછી સોના અને ચાંદીના સિક્કાએ ચલણી સિક્કા અને વિનીમય દરની પ્રથાને જન્મ આપ્યો. મધ્ય યુગમાં ધાતુ અને કિંમતી ચીજવસ્તુઓના વિનીમયથી વેપાર-વ્યવહાર ચાલતો હતો ત્યારબાદ ધાતુના સિક્કા અને આધુનિક યુગમાં હવે ચલણી નોટ અને રાજકોષિય ચલણનું વિનીમય વ્યવહાર ઉભુ થયું છે.
સોનાને આધારભૂત ગણીને સોનાની બાંહેધરી મુજબ ચલણી નોટો છાપીને રાષ્ટ્રનું આર્થિક સમતુલન જાળવવામાં આવે છે. લોન ઉપર ધારકને નોટના મુલ્યનું વળતર આપવાની બાંહેધરી આપવામાં આવે છે. અત્યારે હવે ડિજીટલ યુગમાં ડિજીટલ કરન્સીની વિરભાવના ઉભી થઈ છે.
પરંતુ હજુ તેમાં વિશ્ર્વસનીય વ્યવસ્થાનો અભાવ હોવાથી ભારત જેવા પ્રજાની સંપતિની સુરક્ષા અને બાંહેધરીની ખેવના રાખતા દેશોમાં ડિજીટલ અને ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવામાં આવતી નથી. તાજેતરમાં જ ક્રિપ્ટો કરન્સીની ડિજીટલ મંદીમાં રોકાણકારોના 75 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા જે ભારત જેવા વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશમાં ફરતી કુલ ચલણી નોટોથી અનેકગણું વધારે છે.
ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવામાં આવી નથી. ક્રિપ્ટો કરન્સીનું વળગણ અને તેમાં આંધળુકિયા રોકાણથી દેશ અને રોકાણકારો ભયંકર આર્થિક બરબાદીમાં ધકેલાઈ જાય અને દેશ દેવાના ડુંગરમાં દબાઈ જાય તેવી પરિસ્થિતિમાં ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવામાં આવતી નથી.
ડિજીટલ યુગની બદલતી જતી વિરભાવનાથી હવે વિશ્ર્વમાં ડિજીટલ કરન્સીની જરૂરીયાતો વધી રહી છે ત્યારે ભારતમાં પણ ‘લક્ષ્મી’ના નામથી ક્રિપ્ટો કરન્સી ઉભી કરવાની વિચારણા થઈ રહી છે પરંતુ તેના અમલના ભયસ્થાનો અને ચલણ સામે સોના જેવા રિઝર્વ ફંડની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફૂગાવો, છેતરપિંડી અને ડુપ્લીકેટ ડિજીટલ કરન્સીના ભયસ્થાનોને લઈ ભારતમાં આ પ્રથાનો અમલ થતો નથી. ડિજીટલ કરન્સીમાં રોકાણકારોના 75 લાખ કરોડ ધોવાઈ ગયા છે. ભારતમાં રોકાણકારોની સલામતીને લક્ષ્યમાં રાખીને જ ડિજીટલ કરન્સીને માન્યતા અપાતી નથી.