સ્માર્ટ સીટી તરીકે વિકસી રહેલા રાજકોટ શહેરમાં આજની તારીખે એવા 2466 મકાનો છે જે મોતનો માચડો બનીને ઊભા છે.દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે મહાપાલિકા દ્વારા મકાન ધારકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ચોક્કસ ફટકારવામાં આવે છે.પરંતુ ત્યારબાદ માનવતાની રૂએ કોઈપણ પ્રકારની આકરી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે આ જર્જરિત ઇમારતો ભવિષ્યમાં જીવલેણ દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
શહેરના ત્રણે ઝોન વિસ્તારમાં આવેલી 2466 બિલ્ડીંગ કે જે ચોમાસામાં મોટી અને જીવલેણ દુર્ઘટના સર્જાઇ શકે છે તેને કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની બાંધકામ અને ફાયર બ્રિગેડ શાખા દ્વારા આ વર્ષે ચોમાસા પુર્વે શહેરના ત્રણેય ઝોનમાં કુલ 2466 મિલકતો શોધી કાઢવામાં આવી છે કે જેની હાલત જર્જરિત છે અને ચોમાસામાં દુર્ઘટના સર્જી શકે તેમ છે.જે પૈકી આજ સુધીમાં 2464 મિલકતોને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને બે મિલકતોને નોટિસ આગામી દિવસોમાં આપવામાં આવશે.જેમાં મકાનધારકોને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા માટેની તાકીદ કરવામાં આવી છે.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર અર્થાત જૂના રાજકોટમાં સમાવિષ્ટ વિસ્તારોમાં 590 જેટલી જર્જરિત ઇમારતો આવેલી છે જે પૈકી 588 ઇમારતોને નોટિસ આપી દેવામાં આવી છે અને બે ઇમારતોને આગામી દિવસોમાં નોટિસની બજવણી કરવામાં આવશે. જ્યારે ન્યુ રાજકોટમાં સૌથી વધુ જર્જરિત ઇમારતો આવેલી છે.વેસ્ટ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં 1130 જેટલી જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવી છે.
જ્યારે શહેરના સામાકાંઠા વિસ્તાર એટલે કે ઇસ્ટ ઝોનમાં 746 જેટલી જર્જરિત બિલ્ડિંગોને નોટિસ ફટકારી ખખડધજ મકાનમાં રહેતા લોકોને ચોમાસાની સીઝન પૂર્વે તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા માટેની તાકીદ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની સીઝન પૂર્વે કોર્પોરેશન દ્વારા શહેરભરમાં જર્જરિત ઈમારતોનો સર્વે કરી તેને નોટિસ ફટકારવામાં આવે છે અને આવી ઇમારતોમાં વસવાટ કરતા લોકોને બાકી અહીં મકાન ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવે છે.
પરંતુ અનેક ઇમારતોમાં ભાડુઆત અને માલિક નો વિવાદ ચાલતો હોવાથી ભાડુઆતો બિલ્ડિંગો ખાલી કરતા નથી. બીજી તરફ ચોમાસાની સિઝનમાં વરસાદ વરસી રહ્યો હોય અને વાવાઝોડું આવે તેવી શક્યતા પણ હોય ત્યારે સામાન્ય લોકો બેઘર ન બને તે માટે તંત્ર પણ માનવીય અભિગમ અપનાવી આ મકાનો ખાલી કરાવતા આવતા નથી.
પરંતુ બીજી તરફ જોવામાં આવે તો આ જર્જરિત ઇમારતો ખરેખર મોતનો માંચડો બની બની હોય જીવલેણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વચગાળાનો રસ્તો અપનાવી જો આવી જ રીતે ઇમારતોમાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી જીવલેણ દુર્ઘટના સર્જાવાની દહેશત પણ જણાય રહી છે.દર વખતે નિયમ મુજબ નોટિસ આપવાનું નાટક બંધ કરી કોઈ સચોટ કાર્યવાહી કરવાની આવશ્યકતા છે.