સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થયેલ તાઉતે વાવાઝોડાના કારણે વીજ પુરવઠાને નુકશાની થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાથી થયેલી આ નુકસાનીને પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ. સુરેન્દ્રનગર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં પી.જી.વી.સી.એલ.ની 87 ટીમો સહીત અન્ય ટીમો મળી કુલ 116 ટીમોમાં આશરે 488 જેટલા કર્મચારીઓ હાલ ફિલ્ડમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે.
અધિક્ષક ઈજનેર એન.સી.ઘેલાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝન હેઠળ 27 ટીમના 115 કર્મચારીઓ, ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળની 23 ટીમના 98 કર્મચારીઓ, સુરેન્દ્રનગર ડિવિઝનની 66 ટીમના 275 કમર્ચારીઓ તેમજ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની ટીમ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ પુરવઠો પુન: સ્થાપિત થાય તે માટે વીજળી વેગે કામ કરી રહી છે.
ગઈકાલે બપોરે સુધીની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં કુલ 544 ફીડરો પૈકી 274 ફીડરો પુન:કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વાવાઝોડાના કારણે આશરે 530 ગામોમાં અને 11 શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 11 શહેરો ઉપરાંત 514 ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને બાકીના ગામોમાં પણ જલ્દીથી વીજ પુરવઠો મળી રહે તે માટે કામગીરી ચાલુ છે.