દેશભરમાં ધો.12ની અને વ્યવસાયીક કોર્ષો માટે એન્ટરસ પરીક્ષા લેવા અંગે રવિવારે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના મામલે વિચારણા માટે વધુ સમય અપાયો છે તેમજ તેમના અભિપ્રાયો લેખીતમાં 25મી મે સુધીમાં આપી દેવાની સુચના અપાય છે. જો કે 75 ટકા રાજ્યો પરીક્ષા લેવાના મતમાં છે અને હવે આ મામલે અંતિમ નિર્ણય 1લી જૂને લેવામાં આવશે. ત્યારે હવે 1લી જૂને એવો પણ નિર્ણય આવી શકે કે ધો.12ની પરીક્ષા દેશભરમાં ચૂંટણીની જેમ તબક્કાવાર લેવામાં આવે. બધા રાજ્યોના અલગ અલગ સુચનો મુજબ આ નિર્ણય થઈ શકે તેમ છે.
દેશભરમાં કોરોના વાયરસની દ્વિતીય લહેરના પ્રકોપના કારણે ધો.12ની પરીક્ષા સ્થગીત કરી દેવામાં આવી છે. તેવામાં વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યાં છે કે, પરીક્ષા ક્યારે લેવાશે. બીજી તરફ કેન્દ્ર સરકારના કેટલાંક હાઈપ્રોફાઈલ મંત્રીઓની ધો.12ની પરીક્ષાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ પણ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જો કે બેઠક દરમિયાન કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવ્યો હતો. સરકારે ધો.12ની પરીક્ષા અને એન્ટરસ ટેસ્ટને લઈને બે વિકલ્પો રજૂ કર્યા છે. જ્યારે સીબીએસઈ ધો.12ની પરીક્ષા માટે 2 ઓપશન રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે સીબીએસઈએ કહ્યું હતું કે, રાજ્યના બોર્ડો ધો.12ની પરીક્ષાનો નિર્ણય પોતાની રીતે પણ કરી શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશને પ્રથમ વિકલ્પ આપ્યો કે, જેમાં ફક્ત મુખ્ય વિષયોની ધો.12ની પરીક્ષા યોજે. કેમ કે, સામાન્ય રીતે સીબીએસઈ કુલ 174 વિષયની પરીક્ષા યોજે છે. જેમાં લગભગ 20 વિષય એવા છે કે, જે સીબીએસઈ તરફથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિષયમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઈતિહાસ, મેથ્સ, પોલીટીકલ સાયન્સ, ભુગોળ, અર્થશાસ્ત્ર અને કોમર્સ વિષયો સામેલ છે.
બીજી વૈકલ્પીક હેઠળ જેમાં ફક્ત 45 દિવસ લાગશે. સીબીએસઈએ જણાવ્યું હતું કે, ધો.12ના વિદ્યાર્થી મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા પોતાની સ્કૂલમાં બેસી આપી શકે છે. તેમજ ધો.12ની પરીક્ષા 3 કલાકને બદલે દોઢ કલાકની રાખવામાં આવીે અને ઉત્તરવહી સ્કૂલમાં ચેક કરવામાં આવે. જો દ્વિતીય વિકલ્પના માધ્યમથી પરીક્ષા યોજવામાં આવે તો પ્રશ્ર્નપથમાં ઓબ્જેકટીવ અને શોર્ટ પ્રશ્ર્ન જ પૂછવાના રહેશે. વૈકલ્પીક પ્રશ્ર્નોમાં 5માં અને 6ઠ્ઠા વિષયમાં માર્ક નક્કી કરવાના રહેશે.
કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું હતું કે, અમે સામૂહિક નિર્ણય થકી જલ્દી ધો.12ની પરીક્ષા અંગે અંતિમ નિર્ણય લેશું અને વિદ્યાર્થી તેમજ વાલીઓના મનમાં પેદા થયેલી અનિશ્ર્ચિતતા દૂર કરીશું. વિશ્ર્વની સૌથી મોટી શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા મુખ્યમંત્રીઓ, શિક્ષણમંત્રીઓ અને અધિકારીઓ પણ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ લેવલની મીટીંગમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે, દેશભરમાં રાજ્ય પરીક્ષા બોર્ડો, સીબીએસઈ, સીઆઈએસઈની ધો.12ની પરીક્ષામાં લગભગ 1.5 કરોડ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પરીક્ષામાં ભાગ લેશે.
પરિસ્થિતિ સુધર્યા બાદ પરીક્ષાનું આયોજન કરવા તામિલનાડુનું સુચન
તામિલનાડુના શિક્ષણ પ્રધાન અંબીલ મહેશએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ સુધર્યા બાદ પરીક્ષાનું આયોજન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અન્ય રાજ્યોની જેમ તામિલનાડુ પણ વર્ગ 12ની બોર્ડની પરીક્ષા લેવા માંગે છે કેમ કે તે વિદ્યાર્થીની કારકિર્દી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કેરળ સરકારે બાળકોને રસી મુકાવી પરીક્ષા આપવા સુચન
કેરળ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો કે, કેન્દ્ર દ્વારા તમામ શાળાના બાળકોને કોવિડ-19ની રસી આપવી જોઈએ અને ત્યારબાદ જ પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી પડશે નહીં.
યાસ વાવાઝોડા બાદ ઓરીસ્સા પરીક્ષાને લઈ નિર્ણય કરશે
ઓડીસ્સાના શિક્ષણ પ્રધાન સમીર રંજન દશેએ જણાવ્યું હતું કે, કોવિડની સ્થિતિ સુધરે ત્યારબાદ અમે પરીક્ષાઓ લઈ શકીએ અથવા વિદ્યાર્થીઓ માટે સરળતા પડે તે માટે પરીક્ષાઓ ટૂંકમાં જ પતાવીશું, અત્યારે તો ચક્રવાત યાસ વાવાઝોડુ દૂર થાય ત્યારબાદ જ પરીક્ષા વિશે યોગ્ય નિર્ણય કરીશું.
બે તબક્કામાં પરીક્ષા યોજવાનો નિર્ણય
ધો.12ની પરીક્ષા યોજવા ચૂંટણીની જેમ બે તબક્કામાં નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં પ્રથમ 15 જુલાઈથી 1લી ઓગષ્ટ અને બાદમાં 5 ઓગષ્ટથી 26 ઓગષ્ટ તે મુજબ પરીક્ષા લઈ શકાય. રાજ્યમાં કોવિડ પરિસ્થિતિ નિયંત્રણમાં નથી તે રાજ્યો આ તબક્કાવાર પરીક્ષા લેવાનો નિર્ણય અમલી કરી શકે તેમ છે.
છત્તીસગઢમાં 1 થી 5 જુન ઓપન બુક પરીક્ષા લેવાનો નિર્ણય
ધો.12ની પરીક્ષાને લઈને અનેક અસમંજસ ચાલી રહી છે ત્યારે છત્તીસગઢમાં 1 જૂનથી 5 જૂનથી સુધીમાં ધો.12ની ઓપન બુક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. બાકીના બોર્ડ પણ આગામી દિવસોમાં સરકારના દિશા-નિર્દેશો મુજબ નિર્ણયો જાહેર કરશે.