ગોંડલ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા કોંગ્રેસી આગેવાનના ભાઈને સારવાર માટે વડોદરા લઈ જવાના હોય એમ્બ્યુલન્સના ડ્રાયવર દ્વારા વડોદરા એમ્બ્યુલન્સ નહિ લઈ જઈ શકવાનો નિયમ જણાવ્યો હતો. બાદમાં યોગાનું યોગ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી યાર્ડની એમ્બ્યુલન્સ લઈ વડોદરા દેખાતા કોંગ્રેસી આગેવાને રોષે ભરાઈ લોકબુકની માહિતી માંગી હતી.
પ્રાપ્ત મુજબ શહેરના ભોજરાજપરામાં રહેતા કોંગ્રેસી આગેવાન ધર્મેશભાઈ બુટાણીના ભાઈ સંજયભાઈ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા હોય જે ગંભીર રીતે કોરોના સંક્રમિત થતા વડોદરા સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી અને એમ્બ્યુલન્સ સેવા માટે યાર્ડને પૂછતાં ડ્રાયવર દ્વારા જણાવાયું હતું કે એમ્બ્યુલન્સ માત્ર ગોંડલ થી રાજકોટ સુધી જ દર્દી માટે ઉપયોગ કરવામાં આવે છે વડોદરા આ એમ્બ્યુલન્સ આવી શકશે નહીં તેથી પ્રાઇવેટ વાહન મારફત સંજયભાઈને વડોદરા ખસેડાયા હતા.
જ્યાં બીજા જ દિવસે રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી અલ્પેશ ઢોલરીયા માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા તો શું યાર્ડ તંત્ર દ્વારા સત્તાનો દુરુપયોગ થયો ન કહેવાય ? નિયમ માત્ર નાના વેપારીઓ માટે જ છે ? કમનસીબે સંજયભાઈનું મોત નીપજ્યું હતું જો તેઓને સમયસર એમ્બ્યુલન્સ સેવા મળી હોત તો તેમની વધુ સારવાર થઇ શકી હોત તેવા વેધક સવાલો સાથે કોંગ્રેસી આગેવાન ધર્મેશભાઈ બુટાણીએ યાર્ડ તંત્ર પાસે લોકબુકની માંગ કરી છે