ધોરાજી-જામજોધપુર બજાર સમિતિ પણ આજથી ધમધમી
રાજકોટ માર્કેટ યાર્ડ એક મહિનાથી વધુ સમય બંધ રહ્યા બાદ આજથી ફરી ધમધમતુ થયું છે. ગઇકાલે મુખ્ય પાંચ જણસીની આવક બાદ આજથી હરરાજીનો પ્રારંભ કરાયો છે.
સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ પણ આજથી શરુ થવા પામ્યા છે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે મુખ્ય પાંચ જણસી મગફળી, કપાસ, તેલ, એરંડા અને મગની આવક થવા પામી છે. જેમાં મગફળીની સૌથી વધુ રપ000 બોરીની આવક થઇ છે. આજે હરરાજીના પ્રારંભે મગફળીના પ્રતિમણના રૂ. 1000 થી 1350 જયારે કપાસના પ્રતિમણના રૂ. 1ર00 થી 1448 સુધીના ભાવો બોલાય છે.
જામજોધપુર: જામજોધપુર માકેટીંગ યાર્ડ કોરોના સંક્રમણના કારણે ઘણા દિવસોથી બંધ રહ્યા બાદ આજથી ફરી ચાલુ થતા તલ, જીરુ, ચણા વગેરે જણસી આવી છે આજે હરરાજીમાં ખેડુતોને માલના સારા એવા ભાવ મળતા ખુશીની લાગણી જોવા મળે છે.
ધોરાજી: ધોરાજી માર્કેટિંગ યાર્ડકોરોના તેમજ તૌક્તે વાવાઝોડાને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ બંધ રાખવામા આવ્યુ હતુ. માર્કેટીંગ યાર્ડ ના મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા હતા પરત ફરતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ સરકારની સુચના મુજબ ધઉ-ચણાની ખરીદી હાલ બંધ રાખવામા આવેલ છે બે-ત્રણ દિવસ બાદ શરૂ કરવામા આવશે.
ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ જણાવ્યું હતું કે 25 એપ્રિલ થી ધોરાજી માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવેલ હતું અને હવે રાબેતા મુજબ થઈ જતા કોરોના મહામારીનું સંક્રમણ ઘટતા સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે મર્યાદિત સંખ્યામાં ખેડૂતોએ આવી અને જણસી વેચી હતી.