હાલમાં જ પટના હાઇકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને બદલીને બહુચર્ચીત સેનારી હત્યાકાંડના 13 દોષિતોને નિર્દોષ છોડી મૂક્યા છે. અશ્વિની કુમાર સિંહ અને અરવિંદ શ્રીવાસ્તવની ખંડપીઠે શુક્રવારે દોષિતોને તુરંત છોડી મૂકવાનો આદેશ કર્યો છે. સેનારી હત્યાકાંડ 1999માં બન્યો હતોજેમાં 34 લોકોના મોત થયા હતા.
બિહારના ઝહાનાબાદના સેનારીમાં 18 માર્ચ 1999માં થયેલા નરસંહારમાં એક સાથે 34 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચલી કોર્ટે 2016માં 10 દોષિતોને ફાંસી અને 3 આરોપીને ઉંમરકેદની સજા ફટકારી હતી. આ નિર્ણય પર પટના હાઇકોર્ટે 13 દોષિતોને નિર્દોષ જાહેર કરી દીધા છે. નીચલી કોર્ટના ચુકાદાની પુષ્ટિ માટે બિહાર સરકાર દ્વારા પટના હાઇકોર્ટમાં ડેથ રેફરેન્સ દાખલ કર્યું હતુ સાથે જ દોષિતોએ પણ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના ?
કહેવામાં આવે છે કે 18 માર્ચ 1999ના રોજ પ્રતિબંધિત નક્સલી સંગઠન MCCએ ઝહાનાબાદ જિલ્લાના સેનારી ગામમાં હોળીના તહેવારના થોડા દિવસ પહેલા જ લોહીની હોળી રમી હતી. એવું કહેવામાં આવે છે કે 500-600 જેટલા હથિયારબંધ લોકોએ ગામ પર હુમલો કરી આખું ગામ ઘેરી લીધું હતું. ત્યારબાદ ગામમાંથી પુરુષોને બહાર કાઢી મંદિર પાસે લાવવામાં આવ્યા. ત્યારબાદ 6 શખ્સોએ ધારદાર હથિયારથી એક-એક કરી પુરુષોના ગળા કાપવાનું શરૂ કરી દીધું હતું. એક-એક કરી કુલ 34 લોકોની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી.