શહેરમાં નજીવી બાબતોએ ઘાતક હુમલાના બનાવ બની રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મવડી ચોકડી પાસે ઉદયનગરમાં રહેતા ચાર શખ્સોએ તરુણીને પહેરેલા કપડાંના મુદ્દે ધમકાવતા તરુણીના પિતા અને કાકા ચારેય શખ્સોએ સમજાવવા જતા ચારેય શખ્સોએ તેમને માર મારી છરી વડે ખૂની હુમલો કર્યો હતો જેથી તેઓને ગંભીર રીતે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.બનાવ અંગે પોલીસમા જાણ થતા પોલીસે એકની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે.
મવડી ચોકડી પાસે ઉદયનગર-2માં રહેતા ઘનશ્યામભાઇ બાબુભાઇ જાદવને બે સંતાન છે. તે પૈકી મોટી પુત્રી બુધવારે સવારે બહારથી ઘરે આવી હતી તે સમયે શેરીમાં જ રહેતા વિશાલ, રાજવીર, તુષાર, તેજશ રોડ પર બેઠા હતા. ત્યારે ચારેયે તરુણીને આવા કપડાં પહેરીને શેરીમાં નીકળવાનું નહીં તેમ કહી ધમકાવી હતી જેથી તેને ઘરે વાત કરતા પિતા ઘનશ્યામભાઇ જાદવ અને તેના ભાઇ દિનેશભાઇ ચારેય શખ્સોને સમજાવવા ત્યાં ગયા હતા ચારેય સાથે વાત કરતા કહ્યું હતું કે મારી દીકરીને કેવા કપડાં પહેરવા તે તમારે શીખવવાની જરૂર નથી તેવું કહેતા જ ચારેય ઉશ્કેરાય જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે નાનો ભાઇ દિનેશભાઇ છોડાવવા દોડી આવતા તેને પણ માર માર્યો હતો. ત્યાર બાદ તુષાર અને તેજશે દિનેશને પકડી રાખી આજે તો તારું પૂરું જ કરી નાખવું છે. તેમ કહેતા રાજવીરે તેના નેફામાંથી છરી કાઢી બંને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા ત્યાં જ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા.બનાવને પગલે લત્તાવાસીઓ એકઠા થઇ જતા ચારેય શખ્સ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં બંને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા પીઆઇ કે.એન.ભૂકણ સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને હત્યાની કોશિશનો ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી એક તરુણને દબોચી લઇ અન્યને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.