‘તાઉતે’ વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય આપવાની વડાપ્રધાને કરેલી જાહેરાતના પગલે ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે આભાર વ્યકત કર્યો છે.
બે દિવસ પહેલા ગુજરાતના સાગરકાંઠે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને તાત્કાલિક રૂ. 1000 કરોડની સહાય આપવાની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના સતત સક્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે આભાર વ્યક્ત કર્યો છે. એમણે જણાવ્યું છે કે નરેન્દ્રભાઇ હમેશા ગુજરાત માટે સંકટ મોચન સાબિત થયા છે. કોઈ પણ આપદા માં એમણે ગુજરાતને તરત સહાય કરી છે.
રાજુભાઇએ જણાવ્યું હતું કે, તાઉ’તે વાવાઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત આવકારદાયક અને આભારને પાત્ર છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકોનાં વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે.
આમ, રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓનાં વારસદારોને કુલ 6 લાખ રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉ’તે વાવાઝોડામાં ઈજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે. આ સહાય પણ પ્રધાનમંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઈજા થઈ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખની સહાય અપાશે. આ ઉપરાંત અસરગ્રસ્તોને કેશડોલ પણ આપવામાં આવશે. મતલબ કે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવેલી સહાયથી ખેડૂતોથી લઈ દરેક વર્ગની નુકસાન ભરપાઈ કરી શકાશે. એકપણ વ્યક્તિને આ આફતનાં સમયમાં આર્થિક નુકસાન ન ભોગવવું પડે એવું આયોજન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.