કોરોના તો આવ્યો પણ સાથે બીજી બીમારીઓ પણ લાવ્યો… હાલ કોરોનાની જેમજ મ્યુકરમાયકોસીસની બીમારીએ પણ આતંક મચાવી દીધો છે. વાયરસની સાથે ફૂગજન્ય રોગએ પણ ગુજરાત સહિતના ઘણાં રાજ્યોને પોતાના ભરડામાં લઈ લીધા છે. મ્યુકરમાયકોસીસએ એટલો કહેર વરસાવી દીધો છે કે રાજસ્થાનમાં તો સરકારે આ રોગને મહામારી તરીકે જાહેર કરવો પડ્યો છે.
હજુ ઘણા લોકો આ બીમારી તેના લક્ષણો અને સારવારથી અજાણ છે. આ બાબત પણ મ્યુકરમાયકોસીસને વધુ પ્રસરવાની તક આપે છે. તેથી આ રોગ વિશે જાણવું અને તેનાથી બચવા માટે આગોતરી તૈયારી કરવી પણ ખૂબ જરૂરી છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ મ્યુકરમાયકોસીસ કોરોના સામેના અણધડ ઉપચારથી જ વધ્યો છે. સ્ટેરોઈડ સહિતની વધુ માત્રાની બિનજરૂરી દવાઓને કારણે જ આ રોગ વધ્યો છે. એમાં પણ કુત્રિમ પ્રાણવાયુ પર રહેલા દર્દીઓ કે જેમને સતત ઓક્સિજન ટોફી રહેવાથી મોંમાં વધુ માત્રામાં ભેજનું પ્રમાણ વધી જાય છે આના કારણે પણ ફૂગ થઈ શકે છે.
મ્યુકરમાયકોસીસ એક ફૂગ જ છે. ફિઝિશિયન ડો. જય દેશમુખે આ અંગે જણાવતા કહ્યું કે, હોમ આઈસોલેટ થઈને ડોક્ટરોની સલાહ લીધા વગર જે કોરોના સામેની સારવાર થઇ છે તે પણ હાલ જોખમી સાબિત થઈ રહી છે. એમાં પણ સોશિયલ મીડિયામાં ઝઊંટ વૈદુ” ઉપચારોના મેસેજ પ્રકાશિત થઈ રહ્યા છે તે પણ ઘાતકી સાબિત થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં જોઈ દર્દીઓ ઉપચાર કરવા લાગે છે પરંતુ ખરેખર આમ થવું જોઈએ નહીં. દરેક વ્યક્તિએ એટલું તો જાગૃત થવું જ જોઈએ કે ડોક્ટરોની સલાહ લીધા વગર કોઈ દવા કે અન્ય મેડીકલી ઉપચાર કરવો જોઈએ નહીં. આ અનહાઇજેનિક જીવનશૈલીના કારણે જ મ્યુકરમાયકોસીસ વધ્યો છે. હાલ રાજકોટમાં આ રોગના 400 જેટલા કેસ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ કેસ વધતા જઈ રહ્યા છે. આનાથી બચવા ડાયાબિટીશ, સુગર લેવલ કંટ્રોલ કરવા ઉપરાંત બિનજરૂરી દવાઓ લેવાનું ટાળવું જોઈએ.