મોસાળેમાં પીરસનારી હોય તો મનગમતું જમવાનું પેટભરીને મળે છે. પણ ગુજરાતમાં તો એવું થયું છે. માંએ મનગમતું પીરસ્યું છે પણ પેટ ભરાય એટલું નહિ! રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ અધધ 10 હજાર કરોડ જેટલી નુકસાની વેરી છે. સામે નરેન્દ્ર મોદીએ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને માત્ર રૂ. 1હજાર કરોડની સહાય કરી છે. સામે રાજ્ય સરકાર પાસે પણ જે મળ્યું તેમાં સંતોષ માની લેવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હોય રૂ. 1 હજાર કરોડમાં જ પેટ ભરાઈ ગયાનો ઓડકાર ખાવો પડ્યો છે.

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે વિનાશ વેર્યો છે. ખાસ કરીને ગિરસોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. આ વાવાઝોડાએ સૌથી વધુ અસર ખેડૂતોને પહોંચાડી છે. ખેડૂતોના ખેતરો ઉપરાંત તેમાં રહેલા પાકનો સોથ વળી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની મુલાકાત લઈને અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં અમદાવાદ પહોંચી તેમણે એરપોર્ટ પર જ સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી અને પરિસ્થિતિની વિગતો પણ મેળવી હતી. પીએમ મોદીએ રાજ્યને તાત્કાલિક રાહત કાર્યવાહીઓ માટે રૂ. 1000 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી  હતી.

આ ઉપરાંત ગુજરાત ઉપરાંત કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દીવ-દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારને 2-2 લાખ રૂપિયાની અને ઘાયલ થયેલાને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

પીએમ મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. તેઓ દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે 1.50 કલાક હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તે પછી તેઓ ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સ્થિતિનું આંકલન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.