તાઉ-તે વાવાઝોડાની જિલ્લામાં નહીવત અસર જોવા મળેલી છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલ ની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલી નથી. તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયેલો હતો, જેના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં ખોરવાયેલ વીજપુરવઠો માત્ર 18 કલાકમાં જ પૂર્વવત કરાયો છે. તેમાં પી.જી.વી.સી.એલ.ની 62 ક્વિક રિસ્પોન્સ ટીમોની કાબિલેદાદ કામગીરી જોવા મળી છે.
વાવાઝોડાથી 260 જેટલા વિજ થાંભલાઓ તથા 250 વિજ ફિડર ક્ષતિગ્રસ્ત થતા અંદાજે 7.69 લાખનું નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડા સંદર્ભે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેકટર રવિશંકરની આગેવાની તથા પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ 62 ક્વિક રીસ્પોન્સ ટીમોએ માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે. આ અંગે વધુ વિગતો આપતા પી.જી.વી. સી.એલ.ના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ 250 જેટલા વિજ ફિડરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા. ત્યારે આગોતરા આયોજન મુજબ પી.જી.વી. સી.એલ. દ્વારા તૈયાર કરવામાં આવેલ 62 ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધનાધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં પણ કામે લાગી હતી. અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી. અને તા.18 મે 2021ના રોજ રાત્રે 9.00 કલાક સુધીમાં એટલે કે માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં જ તમામ 180 ગામોમાં વીજપુરવઠો પુન: કાર્યરત કરવામાં સફળતા રહી હતી.
અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી માટે ફાયરબ્રિગેડ અને ગાર્ડન શાખાની ટીમ રવાના
જામનગરની ફાયરની ટીમ અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર પાલિકા દ્વારા બે ટીમો અમરેલી જિલ્લામાં મોકલવામાં આવી છે.આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા થકી વધુ નુકસાની થવા પામી છે ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકાની બે ટીમોને તમામ સામગ્રી સાથે અમરેલીના રાજુલા ખાતે રાહત અને બચાવ કામગીરીમાં ફરજ બજાવવા રવાના કરાઈ છે. આ ટીમોમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, એક હજાર જેટલા ફૂડ પેકેટ, બે વાહનો, છ ટ્રી-કટર તથા ટ્રી-કટિંગ અંગેની અન્ય સામગ્રી સાથે રાખવામાં આવી છે. તેમજ ફાયર તથા ગાર્ડન વિભાગના કુલ 10 કર્મચારીઓ રાજુલા ખાતે જિલ્લા કલેક્ટર અમરેલીના સંકલનમાં રહીને આજથી રાહત કામગીરીમાં જોડાયા છે.
એસ. ટી. વિભાગની બસો રોડ પર દોડી, મુસાફરોને રાહત
એસ.ટી. વિભાગ દ્વારા વાવાઝોડાના પગલે સોમવાર બપોર બાદથી સુરક્ષાના ભાગરૂપે તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતાં ત્યારે શહેર અને જિલ્લા ઉપરથી તાઉતે વાવાઝોડાની ઘાત ટળ્યા બાદ ગઈકાલ સવારથી જ એસ.ટી.ના બંધ કરાયેલા રૂટો ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતાં અને સોમવારથી મંગળવાર સુધીમાં એસ.ટી. વિભાગને લાખો રૂપિયાની નુકસાનીની ખોટ આવી હતી. વાવાઝોડાને લઇને એસ.ટી.ડિવિઝન દ્વારા સલામતીના ભાગરૂપે જામનગર વિભાગીય કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લા સહિતના જામનગર ડિવિઝન હેઠળ આવતા તમામ ડેપોની બસોના પૈડા સોમવાર બપોર બાદથી થંભાવી દેવામાં આવ્યા હતાં અને ઉપરથી આવતી બસોનું સંચાલન સોમવારના શરૂ રાખવામાં આવ્યું હતું. આમ બુધવાર સવારથી ફરી એસ. ટી. ડેપો ધમધમવા લાગતા મુસાફરોમાં રાહત જોવા મળી હતી. આમ એસ.ટી. વિભાગને લાખો રૂપિયાની નુકસાની ખોટ વેઠવી પડી હતી. આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનોને ફરીથી અવર-જવર શરૂ થતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.