વાવાઝોડા અને ચંદ્રગ્રહણને કોઈ સ્નાનાસુતક નથી!!
ખગોળીય ઘટના અને વાવાઝોડાને એકબીજા સાથે જોડી શકાય નહીં: નિષ્ણાંત
વાવાઝોડા તેમજ ગ્રહોની હિલચાલને સબંધ હોય છે તેવું વર્ષો પુરાણી માન્યતા છે પરંતુ આ માન્યતાને એક વૈજ્ઞાનિકે સંપૂર્ણપણે રદિયો આપ્યો છે. વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, વાવાઝોડા અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાને કોઈ જ સંબંધ નથી. વાવાઝોડું સમુદ્રમાં દબાણ થવાના કારણે સર્જાય છે જ્યારે ચંદ્રગ્રહણ સહિતની ઘટના ખગોળીય ઘટના છે જે બંન્નેને કોઈ જ સંબંધ નથી. નોંધનીય બાબત છે કે, આગામી ૨૬મી મેંના રોજ ચંદ્રગ્રહણ થનારું છે અને તે જ દિવસે યાસ વાવાઝોડું ઓરિસ્સા ખાતે ત્રાટકશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે આ બંન્ને ઘટનાઓ એકબીજાથી જોડાયેલી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું ત્યારે વૈજ્ઞાનિકોએ બાબતને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
૨૬ મેના રોજનું આંશિક ચંદ્રગ્રહણ કોઈપણ ભરતી તરંગોને ઉત્તેજીત કરશે નહીં અને યાસ વાવાઝોડા સાથે તેને જોડી શકાય નહીં તેવું વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિકે બુધવારે જણાવ્યું હતું.
એમપી બિરલા પ્લેનેટેરિયમના ડાયરેકટર દેબીપ્રસાદ દુઆરીએ જણાવ્યું છે કે, જો આકાશ વાદળછાયું હોય તો લોકો કોસ્મિક ઘટનાના સાક્ષીથી વંચિત રહી શકે છે. દરિયામાં ઓચિંતી ભરતી આવે તો તેને કોઈ ગ્રહોની સ્થિતિ સાથે જોડી શકાતી નથી. જો કોઈ વિસ્તારોમાં પૂર આવે છે અથવા તો દરિયાના મોજા વધુ ઉછળવા લાગે તો તે વાવાઝોડાના સંકેત હોય છે.
૨૨ મેના રોજ ઉત્તર અંદમાન સમુદ્ર અને તેની સાથેના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાની સંભાવના છે અને ૨૬ મેની સાંજની આસપાસ પશ્ચિમ બંગાળ-ઓડિશા દરિયાકાંઠે આવેલા ચક્રવાતી તોફાનમાં તીવ્ર વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.