આજી ડેમ ઓવરફલો પાછળ ખાડામાં ન્હાવા પડેલા બે યુવાન અને રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ડુબતા એક યુવાનનું મોત
રાજકોટમાં ભારે વરસાદના કારણે આજી ડેમ બીજી વખત ઓવરફલો થયો છે. આજી ડેમ ઓવરફલો પાછળ પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલા બે યુવાન અને રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ડુબી જતા યુવાનના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બે ગાય અને એક યુવાન ડુબી ગયાની ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓએ રેસ્કયુ ઓપરેશન કર્યુ હતુ પણ નદીમાં ડુબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નદી કાઠે એકઠા થયેલા લોકોએ બંને ગાયને બચાવી લીધી હતી.ફાયર બ્રિગેડ સ્ટાફે અજાણ્યા યુવાનનો મૃતદેહ બહાર કાઢી બી ડિવિઝન પોલીસને સોપતા પી.એસ.આઇ. ઝાલા સહિતના સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.આજી ડેમ પાછળ ઓવરફલો નજીક ઉંડા ખાડામાં ન્હાવા પડેલા બે યુવાન ડુબી ગયાની સુરેશભાઇ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડ સ્ટાફને કરતા ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા, સ્ટેશન ઓફિસર જાવિદભાઇ પઠાણ, મનસુખભાઇ પુરોહિત, નિઝામભાઇ ચૌહાણ તરવૈયા સાથે આજી ડેમ દોડી ગયા હતા. રેસ્કયુ ઓપરેશન કરી પાણીમાં ડુબી ગયેલા બંને યુવાનની શોધખોળ હાથધરી છે.આજી નદીએ ફરવા ગયેલી મહિલાઓએ બે યુવાન ડુબી રહ્યા અંગેનો ગોકીરો કરતા સુરેશભાઇએ ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરી હતી. પાણી ભરેલા ખાડા પાસે બે યુવાનના કપડા પડયા હોવાથી તેઓ ડુબી ગયાનું અનુમાન થઇ રહ્યું છે. ૧૫ જેટલા ફાયર બિગ્રેડના તરવૈયા બંને યુવાનની શોધખોળ હાથધરી છે. અને ઘટના સ્થળે પોલીસ કાફલો પણ પહોચી ગયો છે.