બોગસ માર્કસીટના આધારે એડમિશન મેળવી લેતા હોવાનો કૌભાંડનો એસઓજીએ પર્દાફાસ કરી સુત્રધારને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે સુત્રધારને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. જયારે ચાર શખ્સોના રિમાન્ડ નામંજુર થતા જેલ હવાલે કરાયા છે. કૌભાંડના મુળ સુધી પહોચવા પૂછપરછ હાથ ધરાય છે.
શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા ગંગોત્રી ડેરી પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા ભાવિક પ્રકાશ ખત્રી નામનો શખ્સ બોગસ માર્કસીટનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીના સ્ટાફે દરોડો પાડી ભાવિક ખત્રીને ધોરણ દસ, ધોરણ બાર અને ઉત્તર પ્રદેશ યુનિર્વસિટીની બોગસ માર્કસીટ સાથે ઝડપી લીધો હતો.
ભાવીક ખત્રીની પૂછપરછ દરમિયાન રામસીંગ નામના શખ્સની મદદથી બોગસ માર્કસીટ બનાવી હોવાની કબુલાત આપી છે. ભાવીક ખત્રીએ ધોરણ 10 અને ધોરણ બાર પાસની માર્કસીટ રૂા.45 હજારથી લઇ રૂા.25 હજાર સુધીમાં વેચાણ કર્યાની કબુલાત આપી હતી.
ભાવીક ખત્રી 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા હરીકૃષ્ણ રાજેશ ચાવડા, જસદણના દિલીપ ખીમા રામાણી, ઉદયનગરમાં રહેતા ભેસદડીયા પ્રિતેશ ગણેશભાઇ અને નાના મવા રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતા પટોડીયા વાસુ વિજયભાઇની માર્કસીટ ખરીદ કરી હોવાથી તેની ધરપકડ કરી છે. બોગસ માર્કસીટના આધારે ભેસદડીયા પ્રિતેશે બીએસસીનું ઇન્દોર ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ યુનિર્વસિટીમાં અને પટોડીયા વાસુ આર.કે.યુનિર્વસિટીમાં બી ફાર્મમાં પ્રવેશ મેળ્યો હતો.
પાંચેયને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે સુત્રધાર ભાવિક ખત્રીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. અન્ય ચાર શખ્સોના રિમાન્ડ નામંજુર કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.