ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ આજરોજ 13 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજીટલ માધ્યમ થકી જીટીયુએ તેના 14માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઑફ ઓનર તરીકે રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા ડિજીટલ માધ્યમ થકી જોડાયાં હતાં. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, કુલસચિવ ડો. કે. એન. ખેર , જીએસએમએસના ડારેક્ટર ડો. પંકજરાય પટેલ , બીઓજી મેમ્બર પ્રો. ડો. એસ. ડી. પંચાલ તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ આચાર્ય ડો. હિતેશ જાની અને ધ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના પ્રિન્સિપલ કાઉન્સેલર એસ. કાર્તિકેયન ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રાસંગીક ઉદ્દબોધનમાં જીટીયુના કુલસચિવ ડો. કે . એન. ખેરે સમગ્ર જીટીયુ પરિવારને 14માં સ્થાપનાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ટૂંકાગાળામાં જીટીયુએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર મેળવેલ અનેક સિદ્ધિઓનો શ્રેય તમામ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને સમગ્ર જીટીયુ પરિવારને ફાળે જાય છે. જીટીયુના સ્થાપના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરતાં કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા વાવેલાં આ ટેક્નિકલ બિજ વટવૃક્ષ બનીને દેશ અને વિદેશમાં પણ ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. જીટીયુ કોરોના વોરીયર્સને પણ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પણ આપ સર્વેએ જીટીયુની વિવિધ પ્રવૃત્તિમાં સહભાગી થઈને ખરાં અર્થમાં વોરીયર્સની ભૂમિકા અદા કરી છે. લોકડાઉન સમયમાં વિદ્યાર્થીઓના ભણતરને કોઈ પણ પ્રકારની હાની ના થાય તે માટે જીટીયુના ફેકલ્ટીઝ દ્વારા 8000થી વધુ વિડિયો લેક્ચર્સ રેકોર્ડ કરીને અપલોડ કરવામાં આવ્યા હતાં, તે તમામ ફેકલ્ટીઝને પણ બિરદાવ્યા હતાં. ટેક્નિકલ કારણોસર આજના ગેસ્ટ ઑફ ઓનર અને રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા હાજર રહી શક્યા ન હતાં.
પરંતુ તેમણે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ તેમજ સમગ્ર સ્ટાફગણને 14માં સ્થાપનાદિવસની ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી. મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીટીયુએ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રોબ્લેમને ઓપર્ચ્યુનિટીમાં ફેરવીને નવીનત્તમ ટેક્નોલોજી વિકસાવી માનવજાત અને સરકારને સહાયરૂપ થયેલ છે. કોરોનાકાળમાં માનવજાતની સેવા કરીને જીટીયુએ ખરા અર્થમાં ઉત્તમ યુનિવર્સિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા માસ્ક , સેનિટાઈઝર અને 3ડી ફેસશિલ્ડનું નિર્માણ, લોકડાઉન સમયે ગૃહ વિભાગ દ્વારા પણ જીટીયુના સ્ટાર્ટઅપ નિર્મિત ઉપયોગમાં લેવાયેલ ડ્રોન. આ ઉપરાંત સમાજની જરૂરીયાતને ધ્યામાં રાખીને જીટીયુ બાયોટેક લેબમાં 6 ક્લાકના સમયમાં જ કોવિડ ટેસ્ટીંગ કરી શકાય તેવી ક્લાસ-2 શ્રેણીની અદ્યતન લેબ વિકસાવવી અને જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા પણ રેમડેસીવરની ખરાઈ માત્ર 5 મીનીટની સમય મર્યાદામાં કરી આપીને જીટીયુએ કોરોનાકાળમાં રાષ્ટ્રસેવાની ફરજ પરિપૂર્ણ કરી છે.
“જીટીયુ કોરોના વોરીયર્સની” થીમ પર જીટીયુના 14માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં જીટીયુના વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને સ્ટાફગણ દ્વારા કોરોના મહામારી સામે લડત આપીને ખરાં અર્થમાં કોરોના વોરીયર્સ તરીકે કાર્યરત રહ્યાં હતાં. જીટીયુ દ્વારા જુદી-જુદી 3 કેટેગરીમાં 113 કોરોના વોરીયર્સને સર્ટીફિકેટ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.