અબતક, નવી દિલ્હી
ઈરાન તરફથી ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાનના પર્શિયન ગલ્ફમાં સ્થિત ફરઝાદ-બી નેચરલ ગેસ ક્ષેત્ર ભારતના હાથમાંથી સરકી ગયું છે. અહીં સ્થિત આ ગેસ ક્ષેત્રની શોધ ભારતે કરી હતી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશ- ઓએનજીસી દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. અને હવે આ વિશાળ ગેસ ક્ષેત્રનો વિકાસ કરવાનો કરાર ઓએનજીસીના હાથમાંથી સરકી ઈરાને સ્થાનિક કંપની પેટ્રોપર્સ ગ્રુપને આપ્યો છે. ભારત ઉપરાંત ઈરાન માટે પણ મહત્વનો આ કરાર સ્થાનિક કંપની પેટ્રોપર્સ ગ્રુપને અપાતા પર્સિયન ગલ્ફમાં ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલ ફરઝાદ-બી ગેસ ક્ષેત્ર ભારતે ગુમાવી દીધું છે.ઈરાની ઓઇલ મંત્રાલયના સત્તાવાર સમાચાર શનાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ ઈરાની ઓઇલ કંપની (એનઆઈઓસી) એ પર્સિયન ગલ્ફમાં ફરઝાદ બી ગેસ ક્ષેત્રના વિકાસ માટે પેટ્રોપર્સ ગ્રુપ સાથે 1.78 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
તેહરાનમાં ઇરાની પેટ્રોલિયમ પ્રધાન બિજન ઝાંગેનેહની હાજરીમાં યોજાયેલા એક સમારોહમાં આ કરાર પર હસ્તાક્ષર થયા છે. જણાવી દઈએ કે ફરઝાદ-બી ગેસ ફિલ્ડમાં 23 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો જથ્થો સંગ્રહિત છે. જેમાંથી 60% જેટલો ગેસ પન:પ્રાપ્ય છે. આ ઉપરાંત, આ ગેસ ક્ષેત્રમાં અબજ ઘનફૂટ ગેસ દીઠ 5000 બેરલ ધરાવતા ગેસ ક્ધડેન્સેટ્સ છે. રિપોર્ટ અનુસાર, આગામી 5 વર્ષ સુધી દરરોજ 28 મિલિયન ક્યુબિક મીટર ગેસ આ ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. ફારઝદ-બી ગેસ ક્ષેત્રની શોધ ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા પર્સિયન હલ્ફ સંશોધન બ્લોકમાં વર્ષ 2008માં કરવામાં આવી હતી.
ઓએનજીસી વિદેશ લિ.એ ઇરાનને આ ગેસ ક્ષેત્રના વિકાસ માટે 11 અબજ ડોલરના રોકાણની ઓફર કરી છે. પરંતુ ઈરાનની નેશનલ ઈરાની ઓઇલ કંપની (એનઆઈઓસી) વર્ષોથી ભારતના આ પ્રસ્તાવને મોકૂફ રાખી બેઠી હતી. અને હવે તેણે ભારતના પ્રસ્તાવને ઠુકરાવી આ કરાર તેની સ્થાનિક કમ્પની પેટ્રોપર્સ ગ્રુપને આપી દીધો છે.