અબતક-રાજકોટ
વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર પ્રેરિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજકોટ ખાતે રૂા.60 લાખના ખર્ચે ઉભા કરાયેલા ત્રણ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા કહ્યું હતું કે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સમયમાં કરેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અભિનંદન પાત્ર છે. વૈશ્વિક મહામારીમાં વિશ્વના અનેક દેશોને ઘણું નુકસાન થયું છે, ત્યારે ભારત અને ગુજરાત ખુબ મક્કમતાથી વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સહયોગથી કોરોના સામે અડગ લડાઈ લડી રહ્યા છીએ.
વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ કરાવવાની પહેલ vyo વિશ્વ પરિવારે કોવિડ કેર ડ્રાઈવ સમગ્ર રાષ્ટ્રમાં કાર્યરત કરી
હાલ કોરોનાના કેઈસ ઘટી રહ્યાંનું જણાવતા વિજયભાઈએ કહ્યું હતું કે, બીજી લહેરમાં માત્ર બે માસના ટૂંકાગાળામાં આપણે 41 હજાર બેડમાંથી એક લાખ બેડ તેમજ ઓક્સિજન સાથેના 18 હજાર બેડમાંથી આપણે 58 હજાર બેડ ઉભા કરી દર્દીઓની સારવાર કરી રહ્યાનું ગૌરવ સાથે રૂપાણીએ જણાવ્યું હતું. આવનારી સંભવિત ત્રીજી લહેર સામે આગવા આયોજન સાથે ઓક્સિજનની કંઈ ઘટન પડે તે માટે હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવા પ્લાન્ટનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયુ હોવાનું અને જે રોજના 300 ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકાશે તેમ મુખ્યમંત્રી જણાવ્યું હતું.
કોરોના, મયુકરમાઇકોસિસ અને વાવાઝોડા સામે રાજ્ય સરકાર હાલ ત્રિ-પાખ્યો જંગ લડી રહી હોવાનું જણાવતા રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડામાં એકપણ જાનહાનીનો થાય તે માટે સમગ્ર તંત્ર હાલ પૂર્ણ કક્ષાએ તૈયાર છે. વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમારજીએ પ્રાસંગીક ઉદબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈનો આભાર માનતા જણાવ્યું હતું કે, માનવ સેવા કે ધાર્મિક કાર્યમાં મુખ્યમંત્રી હંમેશા તેમનો કિંમતી સમય પાઠવી સંસ્થાઓના કાર્યને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. હાલમાં જ મુખ્યમંત્રીએ કોરોના સામેની લડાઈમાં ધર્મગુરુઓ સાથે વિચાર વિમર્શ કરી સહયોગ અને આશીર્વાદ મેળવ્યા હતા જે તેમની ધર્મસત્તા પરની આસ્થા દર્શાવે છે તેમ વ્રજરાજકુમારજીએ ઉમેર્યું હતું.
સંવેદના સાથે કરવામાં આવતું કાર્ય હંમેશા સફળ રહેછે જેમાં ઈશ્વરીય આશીર્વાદ રહેલા હોવાનું વ્રજરાજકુમારજીએ ભાવપૂર્વક જણાવી મુખ્યમંત્રીની સંવેદનશીલતાના અભિગમનો દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા કોરોનામાં અનાથ બાળકો માટે સહાય જાહેર કરી સાચા અર્થમાં રાજ સેવકની વિભાવના પુરી પાડી છે. વ્રજરાજકુમારજી દ્વારા કોરોનમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ઉલ્લેખ કરી સંસ્થા દ્વારા હંમેશા લોકકલ્યાણના કામોમાં રાજ્યની સાથોસાથ સેવા પ્રવૃત્તિ કરી સહયોગ પૂરો પાડશે.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંસ્થા દ્વારા રાજકોટ ખાતે પ્રતિ મિનિટ 3 ટનના ઉત્પાદન ક્ષમતા સાથેના 3 પ્લાન્ટ સિવિલ હોસ્પિટલ, એન.આઈ.સી.યુ. વોર્ડ તેમજ કેન્સર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાયા છે તેમજ રાજ્યના અન્ય શહેરોમાં કુલ 19 પ્લાન્ટ તેઓ દ્વારા સ્થાપિત કરાશે. રાજકોટ ખાતે નિર્મિત આ પ્લાન્ટ અમેરિકા સ્થિત રમેશભાઈ રાખોલીયા, પુનિતભાઈ ચોટલીયા તેમજ વી.વાય. ઓ. યુ.કે. પરિવાર દ્વારા દાનમાં અપાયા છે.
સંસ્થાના મૌલેશભાઇ ઉકાણીએ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિનો ચિતાર સ્વાગત પ્રવચનમાં આપ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સંસ્થની કામગીરી અંગે વિડીયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જગદીશભાઈ કોટડીયાએ કરી હતી. રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ વી.વાય.ઓ. પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા .