તાઉતે વાવાઝોડા અનુસંધાને
જ્યુબિલી કંટ્રોલ રૂમ અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની કામગીરીમાં મ્યુનિ. કમિશનનું સંકલન અને માર્ગદર્શન: તંત્ર ઉંધામાથે
“તાઉતે” વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનોથી સર્જાતા અકસ્માતોની શક્યતા નિવારી શકાય તે માટે સંખ્યા બદ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. અકસ્માત ના થાય તે માટે તંત્ર જે કાંઈ જરૂરી પગલાંઓ લઇ શકે તે તમામ પગલાંઓ લીધા હતા અને તેમાં અગાઉથી જ સમગ્ર વહીવટી તંત્રને સંપૂર્ણ “એલર્ટ” કરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ખુદ અને વરિષ્ઠ અધિકારીઓ તાઉતે વાવાઝોડાના અહેવાલો વિશે શહેરીજનોને માહિતગાર કરવાની કામગીરી કરી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડા સામે કરેલી કામગીરી વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ એમ જણાવ્યું હતું કે, ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરઓ દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેક્સ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટર ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, ટીપી શાખા, એસ્ટેટ શાખા, આરોગ્ય શાખા, પ્રોજેક્ટ શાખા, ગાર્ડન શાખા, સહિત અન્ય તમામ સંબંધિત શાખાઓ અને તેનો તમામ સ્ટાફ મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવે છે, જેના પગલે જોખમી હોર્ડિંગ અને વૃક્ષો, જર્જરિત મકાનો, બાંધકામ સાઈટ વગેરે સાથે સંબંધિત જોખમો નિવારી શકાય.
કમિશનર વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ-અલગ સ્થળોએથી 210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાયેલ. આ શહેરીજનો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક સેવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરે 1080 લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કમિશનરએ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળો પરથી ભયજનક જણાંતા 7027 જેટલા અલગ અલગ સાઈઝના બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત “રૂડ” (રાજકોટ શહેરી વિકાસ સતામંડળ)ના ચેરમેન ઉદિત અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રૂડા વિસ્તારમાં બાંધકામ સાઈટ પર શ્રમિકોની સલામતી માટે તકેદારીના પગલાં લેવડાવવામાં આવેલ છે.
દરમ્યાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવડાવી દીધા છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના પણ હોવાથી નીચાણવાળા વિસ્તારો તથા અન્ડર બ્રિજમાં પાણી ભરાય તો તેને તાત્કાલિક ડીવોટરિંગ કરવા માટે પંપ અને સ્ટાફ તૈયાર રખાયા છે. શહેરમાં પીવાનાં પાણીનું વિતરણ કોઈ પ્રકારે ડીસ્ટર્બ નાં થાય તે જોવા સિટી ઈજનેરોને સૂચના આપવામાં આવી છે અને મહાનગરપાલિકાના તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોએ ઈલેક્ટ્રીક સ્પલાય ડીસ્ટર્બ થાય તો તેવા કિસ્સામાં જનરેટરની મદદથી પમ્પિંગ ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. શહેરમાં રાહત બચાવની અસરકારક કામગીરી માટે ફાયર બ્રિગેડ સહિત મહાનગરપાલિકાના તમામ વાહનો ડીઝલનાં પુરતા જથ્થા સાથે જ તૈયાર રાખવામાં આવેલ છે.