મહેસુલ, પોલીસ, ફોરેસ્ટ,પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના વિભાગોની 44 ક્વીક રીસ્પોન્સ ટીમો સતત ખડેપગે
વીરેન્દ્રસિંહ પરમાર, જામનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહેવામાં આવ્યું છે કે, ‘તાઉતે’ વાવાઝોડુ આજ રાત સુધીમાં રાજ્યમાં આવશે.’ રાજ્યના બંદરો પર ત્રણ નંબરથી લઈ દસ નંબરના સિગ્નલો લગાવ્યા છે. ‘તાઉતે’ને કેટેગરી-4માં મુકતા અત્યંત ખતરનાક વાવાઝોડું કહેવામાં આવ્યું છે. 2021નું આ પ્રથમ વાવાઝોડું છે, જેમાં મોટું નુકશાન થવાની સંભાવના છે.
તાઉતે વાવાઝોડાથી જામનગર જિલ્લામાં કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય, તેમજ લોકો સુરક્ષિત તથા સલામત રહે તે માટે જિલ્લા કલેક્ટર રવિશંકરની રાહબરી હેઠળ તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસથી યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી આજે સવારે 10 વાગ્યા સુધીમાં બેડ, કાલાવડ, સિક્કા, ખીજડીયા, ચેલા, ખાનકોટડા સહિતના 36 ગામોમાં 2500 જેટલા લોકોને તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આશ્રય સ્થાનોમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યાં છે.
22 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટર તથા ઇમરજન્સી કિટની ફાળવણી કરવામા આવેલ છે. ગામોના સમુહ દિઠ ક્લસ્ટર બનાવી આપતકાલિન સ્થિતીને પહોચી વળવા અધિકરીઓની નિમણૂક કરાઇ છે. ફુડ્પેકેટ, મશીન બોટ, જનરેટર સેટ, રાહત અને બચાવ માટેના વાહનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભયજનક હોર્ડીંગ તથા જોખમી વૃક્ષો દુર કરવામાં આવી રહ્યાં છે. જેમાં 998 જેટલાં હોર્ડીંગ હાલ ઉતારી લેવામાં આવ્યાં છે.
બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લામાં NDRFના 25 જવાનો તથા બોટ સાથેની એક ટીમને જોડીયા તથા ધ્રોલ તાલુકામાં સ્ટેંન્ડબાય રાખવામાં આવેલ છે. આ સાથે વાવાઝોડાની સંભવીત અસર તથા જિલ્લામાં તાકીદની રાહત અને બચાવ કામગીરી માટે મહેસુલ, ફોરેસ્ટ, આર એન્ડ બી, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિતના વિભાગોની 44 ક્વીક રીસ્પોન્સ ટીમો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવી છે.