માંગરોળ, નીતિન પરમાર:
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાનું જોખમ ઉભું થયું છે. તાકાતવાન આ તાઉતે ચક્રવાતની આગાહીના પગલે ગુજરાત સહિતના પશ્ચિમ ઘાટના રાજ્યો રાહત-બચાવ કામગીરી સહિતની તૈયારીમાં જુટાઈ ગયા છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોને હાઇ એલર્ટ અપાયું છે. તેમજ સંભવિત અતિ પ્રભાવિત વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાના પણ આદેશો અપાયા છે. ત્યારે માંગરોળમાં પણ તંત્ર એલર્ટ થયું છે અને દરીયા કીનારાના 32 ગામોને હાઇ એલર્ટ કરાયા છે.
જૂનાગઢના માંગરોળ દરીયાથી 10 કીલોમીટરની રેન્જમાં આવતા 32 ગામોને હાઇ એલર્ટ કરાયા છે. આજરોજ તંત્ર દવારા મીટીંગ યોજીને તમામ તલાટી ઓને પોતાના હેડ કવાટર નહી છોડવાની કડક સુચના અપાઇ છે. આવતી કાલે દરીયાથી નજીક આવેલા ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરાઇ તેવા એંધાણ મળી રહયા છે અને આ સ્થળાંતર થયેલા લોકોને સાઇકલોન સેન્ટરમાં રાખવાનું પણ આયોજન થઈ ચુકયું છે. અને સાથે સાથે જો આમાં કોઇ બીમાર કે કોરોનાના દર્દિઓ હોય તો તેમને માટે પણ અલગ સ્વતંત્ર આઇશોલેશનની પણ સગવડ કરાઇ છે. જયારે એન ડી આર એફની ટીમપ ણ આવતી કાલ સુધીમાં તૈનાત કરી દેવાશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે વાવાઝોડાને લઈને માંગરોળમાં કોઇપણ પરિસ્થીતિને પહોચી વળવા તંત્ર સજજ છે.
આ ઉપરાંત, માંગરોળ નગરપાલિકા દ્વારા વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી રસ્તા પર લાગેલા મોટા બોર્ડ તેમજ લાઈટ માટેની સુવિધા તેમજ એસટી વિભાગની બસૉ તૈયાર રાખી દરિયાઈ વિસ્તારના લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવા સહિતની કામગીરીમાં પાલિકા ચીફ ઓફિસર સેનિટેશન વિભાગ લાઈટ શાખા તેમજ કર્મચારીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા પોલીસ વડા, ઍસપી, જિલ્લા કલેકટર સાથે માંગરોળ મામલતદાર તેમજ એન ડી આર એફ ટીમ નગરપાલીકા પૉલીસ સહીતના અધિકારી- પદાધિકારીઓની ,બેઠકોનૉ દૉર શરૂ છે.