રાજકોટ: ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે ધારી તાલુકાના સુખપુર ગામમાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો.બેડી, મેટોડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધુળની ડમરી ઉડી રહી છે. લોધિકા તાલુકાના વાજડી વડથી મેટોડા જીઆઇડિસી સુધીનું વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે.
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.ધારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો.કેસર કેરી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, તૌકતે વાવાઝોડાની શક્યતાને જોતા પોરબંદર કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. માધવપુરથી લઇ મીયાણી સુધીના દરિયા કિનારે આવેલ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.