ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ એપ્રિલના પીક ટાઈમમાં કોવીડ વિભાગનો 31,471 કિલો તેમજ સિવિલનો 10,744 કિલો મેડિકલવેસ્ટ કરાયો ડિસ્પોઝ
સુપર સ્પેશિયાલિટી વિભાગમાં લીકવીડ વેસ્ટ માટે ઈન-હાઉસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસ જે ઈન્ફેક્ટેડ પાણી જમીનમાં જતુ અટકાવે છે: સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ સિવિલ પાસે ઈન્ડસ્ટ્રીયલ ઓવન, જે પ્લાસ્ટિક વેસ્ટને ડિસઈન્ફેકટ કરવાનું કામ કરે છે: 6 ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ સહીત 12 લોકો દ્વારા કરાતુ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ – નસિંગ અને વર્ગ ચારના કર્મચારીઓને હિપેટાઇટીસ બી અને ધનુરના ડોઝથી કરાયા છે રક્ષિત.
હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતા બાયો-મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે નાશ ન કરવામાં આવે તો તેના દ્વારા અનેક રોગ સ્પ્રેડ થઈ શકે, અને ખાસ કરીને કોરોનાના દર્દીઓનો મેડિકલ વેસ્ટ એ જીવતા બોમ્બ જેવો છે, તેમ રાજકોટ સિવિલ ખાતે બાયો-મેડિકલ વેસ્ટના હેડ અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ હિતેન્દ્ર જાખરીયા જણાવે છે.
હાલ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, આ દર્દીઓની સારવાર દરમ્યાન ઉત્પન્ન થતો મેડિકલ વેસ્ટ તેમજ સારવાર કરતા સ્ટાફની પી.પી.ઈ. કીટ, માસ્ક ગ્લોવ્ઝ મળીને ગત માસમાં કુલ 31,471 કિલો એટલે કે 31 ટન જયારે સિવિલના અન્ય વિભાગનો 10,744 કિલો (11 ટન) વેસ્ટ ડિસ્પોઝ કરવામાં આવ્યો હોવાનું જાખરીયાભાઈ જણાવે છે.
કોવીડ વિભાગના વેસ્ટને કલર કોડ મુજબ અલગ અલગ બેગમાં સેફટી માટે ડબલ બેગ રાખવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટોર સુધી લઈ જવા માટે ખાસ લિફ્ટ કે જેમાં દર્દી કે સ્ટાફ નહિ માત્ર વેસ્ટને જ લિફ્ટ દ્વારા સીધો સ્ટોરમાં લઈ જવામાં આવે છે. પી.પી.ઈ. કીટ પહેરેલા સ્ટાફ દ્વારા તેને ડિસઈન્ફેકટ કરી ત્યાર બાદ નક્કી કરાયેલી એજન્સીના ખાસ ડેડીકેટેડ વેનમાં તેને અલગ અલગ કલર કોડ મુજબ મુકવામાં આવે છે. આટલું જ નહિ પરંતુ તેને કુવાડવા પાસે ખાસ જગ્યાએ ડિસ્પોઝ કરવાનો સમય પણ નિશ્ચિત હોઈ છે. આ સમયે અને જગ્યાએ અન્ય કોઈ મેડિકલ વેસ્ટ ડમ્પ તેમજ ડિસ્પોઝકરવામાં આવતો નથી.
હિતેન્દ્રભાઇ જણાવે છે કે, પુરા સૌરાષ્ટ્રમાં રાજકોટ સિવિલ ખાતે રૂ.70 લાખના ખર્ચે ઇન્ડસ્ટ્રીયલ ઓવનનું સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટીક વેસ્ટ ભરેલ લાલ બેગને ડિસ્પોઝ કરતા પહેલા ડિસઈન્ફેકટ કરવામાં આવે છે.
પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઉત્પન્ન થતો લીકવીડ વેસ્ટ એટલે કે ટોયલેટ બાથરૂમના પાણી, ડાયાલીસીસ દરમ્યાન ઉત્પન પ્રવાહી વેસ્ટને ઈન હાઉસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાસ ટ્રીટમેન્ટ કરી આ પાણીનો ટોયલેટ ફ્લશ માટે પુન: ઉપયોગ કરવામાં આવે છે. જયારે રહી જતો સલજ કચરો કોર્પોરેશનના ટાકા દ્વારા સક્શન કરી ખેંચી લેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ પ્રોસેસથી એક ફાયદો એ થાય છે કે ઇન્ફેકેટેડ પાણી જમીન તળમાં જતું બચે છે તેમ જાખરીયાભાઈ જણાવે છે.
વર્ષ 2006 થી આ ક્ષેત્ર સાથે કાર્યરત હિતેન્દ્રભાઇ જણાવે છે કે, સિવિલ દ્વારા વર્ષમાં બે વાર ડોક્ટર્સ તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપવામા આવે છે. એટલુંજ નહિ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમજ જે એજન્સી આ વેસ્ટ લઈ જાય છે તેમના દ્વારા પણ ટ્રેનિંગ આપવામા આવે છે. રાજકોટ સિવિલ ખાતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ મુજબ વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સિવિલને સી.સી.એ. અને સી.ટી.ઈ. (કંટ્રોલ એન્વાયર્મેંટ) સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
સ્ટાફમાં કોઈપણ વ્યક્તિને લોહી કે નીડલ ઈન્જરી વખતે ઇન્ફેક્શનથી બચાવવા ખાસ સ્પીલેજ કીટ અને નીડલ ઈન્જરી કીટ દરેક વોર્ડમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે, જેથી કરીને ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફને કોઈ ગંભીર અસર ન થાય. વેસ્ટ સેગ્રીગેશન સૌથી મહત્વનો ભાગ હોવાનું જાખરીયા જણાવે છે. જેમાં મેડિકલ વેસ્ટને લાલ, પીળી, બ્લ્યુ અને વ્હાઈટ કલરની બેગમાં તેના પ્રકાર મુજબ ભરવામાં આવે છે. આ કલર કોડ મુજબ તેને અલગ અલગ રીતે ડિસ્પોઝ પ્રોસેસ કરવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક મટિરિયલ્સને લાલ બેગમાં, નીડલ્સ અને શાર્પનર વ્હાઈટ બેગમાં, ડ્રેસિંગ મટીરીયલ્સ જે બાળી શકાય છે તેને પીળી બેગમાં અને ઇન્જેક્શન વાયલ, કાચની બોટલ્સ વગેરે બ્લ્યુ કલરની બેગમાં પેકીંગ કરવામાં આવે છે.
સરકારી તેમજ ખાનગી તમામ હોસ્પિટલ્સ દ્વારા યોગ્ય રીતે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ થાય તે માટે તેમના સ્ટાફને ખાસ ટ્રેઈનિંગ આપવામાં આવતી હોઈ છે. તેમજ તેના નિયંત્રણ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયમ મુજબ 48 કલાકમાં આ વેસ્ટ ડમ્પ થઈ જવું જરૂરી છે. અયોગ્ય અમલીકરણ માટે દંડની જોગવાઈ પણ હોવાનું જાખરીયા જણાવે છે. કોરોના સંક્રમિત દર્દીની સારવાર જેટલીજ ચોકસાઈ તેના બાયો મેડિકલ વેસ્ટના નિયમન માટે લેવામાં આવતી તકેદારી થકી આજ સુધી કોઈ સાઈડ ઈફેક્ટ કે ગંભીર પરિણામ નહીં જોવા મળ્યાનું પ્રતીત થાય છે.