સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના શિક્ષણવિદોએ મતદાન ટાળવાનો નિર્ણય કર્યો હતો.જેથી જનરલ વિભાગની પાંચ, કોલેજ પ્રિન્સિપાલ વિભાગની બે અને ટીચર વિભાગની એક એમ સિન્ડિકેટની 8 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનાં બે વરિષ્ઠ શિક્ષણવિદો ડો. ધરમ કાંબલીયા અને ડો.હરદેવસિંહ જાડેજા સતત ત્રીજી વખત સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જયારે, બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણીમાં ત્રણેય સભ્યો બિન હરી ચુંટાયેલા જાહેર થયા છે. જેમાં કોંગ્રેસનાં યુવા આગેવાન અને સેનેટ સભ્ય રશ્મિનભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યમાં વર્ષોથી ભાજપની સરકાર હોવાછતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસી વિચારધારાને જીવંત રાખતા કોંગ્રેસનાં શિક્ષણવિદો વટભેર ચૂંટાઈ આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ત્રણેય કોંગ્રેસી આગેવાનોની થયેલી બિનહરીફ વરણીને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ બથવારે આવકારી છે. નવા વરાયેલા આ ત્રણેય આગેવાનો યુનિવર્સિટીમાં કોંગ્રેસની વિચારધારાને જીવંત રાખીને વિધાર્થીઓ અને શિક્ષણના હિતમાં કાર્ય કરતાં રહે તેવી આશા પણ વ્યક્ત કરી છે.