રાજકોટ: શહેરની છેવાડે આવેલી મેંગો માર્કેટમાં આજ સવારે એકાએક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ત્યાં રહેલા કેરીના ખાલી 700થી વધુ પ્લાસ્ટિક અને લાકડાના બોક્સ બળીને ખાક થઈ ગયા હોવાથી અંદાજિત રૂ.1 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કેરીની સિઝન ખુલતા જ મેંગો માર્કેટમાં કેરીનો ભરપૂર પ્રવાહ શરૂ થયો છે. પરંતુ આજ સવારે મેંગો માર્કેટમાં પાછલા ભાગે એકાએક આગ લાગતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. મેંગો માર્કેટમાં આવેલા પાછળના ભાગે કેરી ભરવાના બોક્સમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
મેંગો માર્કેટમાં આગ લાગી હોવાનું જાણવા મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં મેંગો માર્કેટના પ્રમુખ પણ દોડી આવ્યા હતા. આગ ઠરી ગયા બાદ તપાસ કરતા અંદાજિત કેરી ભરવાના 700થી વધુ પ્લાસ્ટિક અને લાકડાના બોક્સ બળી ગયા હતા. તો બીજી તરફ કેરીના જથ્થાને સમયસર હટાવી લેતા તેમાં કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું.