વાવાઝોડા સાથેના વરસાદને પ્રિ-મોન્સુન કે વહેલુ ચોમાસુ ગણવું, લોકો દ્વિધામાં
- રાષ્ટ્રીય હવામાન વરતારામાં આ વર્ષે સવા સો ટકા વરસાદના વરતારા અને ચોમાસાનું વહેલુ આગમન અને મોડે સુધી વરસાદ વરસાવનારા વર્ષ તરીકે ગણાવાયું છે ત્યારે ખેડૂતો સારા વરસાદ માટે આતુર છે
- ચોમાસા પૂર્વે આવતુ વાવાઝોડુ ચોમાસા માટે ક્યારેક પુશઅપ તો ક્યારેક બેક ડાઉન માટે નિમિત બને છે, આ વખતે શું થશે!
- સમયસરની વાવણી માટે તૈયાર રહેતા ખેડૂતો 2.5 થી 3 ઈંચ વરસાદ થાય તો આગોતરી વાવણીનું સાહસ કરી લે છે
- ચોમાસુ સત્તાવાર રીતે હજુ એકાદ મહિના પછી આવવાનું છે ત્યારે વાવાઝોડાની સ્થિતિએ બદલાયેલુ વાતાવરણ ખેતી અને ખેડૂત માટે લાભકર્તા સાબીત થશે કે નુકશાનકારક તેની દ્વિધા ઉભી થઈ છે
કૃષિ પ્રધાન ગણાતા ભારતની ખેતી સંપૂર્ણપણે કુદરત અને વરસાદ પર જ આધારિત હોવાથી વરસાદની નિયમીતતા-અનિયમીતતાનો કૃષિ ક્ષેત્ર પર ખુબજ મોટી અસર થાય છે. દાયકામાં 2 થી 3 વાર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જાય તેવી પરિસ્થિતિમાં કૃષિની આવક અનિશ્ર્ચિત હોવાથી કૃષિને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવતો નથી. ભારતની વસ્તીને 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વશે છે અને તેમાં મોટાભાગના લોકો ખેતી આધારિત આજીવીકા સાથે સંકળાયેલા હોવાથી ભારતમાં ચોમાસાનો નિયમીત વરસાદ ખુબજ મહત્વ ધરાવે છે.
આ વર્ષે ચોમાસાના આગમનની તૈયારી થઈ રહી છે ત્યાં જ કેરળ અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલી વાવાઝોડાની પરિસ્થિતિ ચોમાસાના યજ્ઞમાં વિઘ્ન ઉભુ કરશે તેની ચિંતા પ્રસરી છે. સત્તાવાર ચોમાસાને હજુ વાર છે ત્યાં જ સક્રિય થયેલી પ્રિ-મોન્સુન સીસ્ટમ અને વાવાઝોડુ ચોમાસાને વિખેરી નાખશે. વાવાઝોડા સાથેના વરસાદને પ્રિ-મોન્સુન કે આગોતરૂ ચોમાસુ ગણવું કે, માવઠુ તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
કેરળના દરિયાકાંઠે સામાન્ય રીતે 1લી જુનથી ચોમાસુ બેસી જતું હોય છે. આ વખતે આગામી 5 થી 6 દિવસમાં અરબ સાગર તરફથી ઉભી થયેલી હળવા દબાણની સ્થિતિ 18મી મે સુધી ગુજરાતના દરિયાકાંઠે પહોંચીને વાવાઝોડુ અને આગોતરા વરસાદની પરિસ્થિતિ સર્જે તેવી શકયતા ઉભી થઈ છે.
અરબ સાગરના દક્ષિણ, પૂર્વ દરિયાકાંઠે લક્ષદ્વિપ વિસ્તારમાં ગઈકાલે જ હવાનું હળવું દબાણ સર્જાતા વંટોળીયા સાથે ટોકટી વાવાઝોડુ રવિવાર સુધીમાં દેશના કેટલાંક ભાગોને અસર કરે તેવી આગાહી થઈ છે. લક્ષદ્વિપમાં આજે પ્રિ-મોન્સુન વરસાદી માહોલ ઉભો થયો છે. આવતીકાલ સુધીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા સંજોગોમાં હજુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી 15 જૂનને એક મહિનાનો સમય બાકી છે ત્યારે ઉભી થયેલી વાવાઝોડાની પરિસ્થિતિથી ગુજરાત સહિત દેશના કેટલાંક ભાગોમાં આગોતરો વરસાદ ત્રાટકે તેવી શકયતા ઉભી થઈ છે.
હજુ સત્તાવાર રીતે વરસાદ અને વાવણીલાયક મોસમને એક મહિનાનો સમય બાકી છે ત્યારે સંભવિત રીતે વાવાઝોડાની અસર વચ્ચે જો વરસાદ થઈ જાય તો તેને ચોમાસાનો આગોતરો વરસાદ ગણવો કે માવઠુ ગણવું તેની દ્વિધા ઉભી થઈ છે.
ગુજરાત સહિત ખેતી પારંગત રાજ્યોમાં ખેડૂતો સમયસર વાવણી માટે આતુર હોય છે તેવા સંજોગોમાં ક્યારેક-ક્યારેક ચોમાસુ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલા જો 2.5 થી 3 ઈંચ સુધીનો વરસાદ વરસી જાય તો આગોતરી વાવણીનું સાહસ કરી લેતા હોય છે. અત્યારે ઉભી થયેલી વાવાઝોડાની પરિસ્થિતિ ખેડૂતો અને ચોમાસા માટે અનુકુળ નિવડશે કે પ્રતિકુળ, વાવાઝોડુ વરસાદને લાવવામાં અને વિખેરવામાં નિમીત બનતું હોય છે ત્યારે લક્ષદ્વિપ નજીક ઉભી થયેલી હળવા દબાણની સ્થિતિ આ વર્ષના ચોમાસાને પુશઅપ કરશે કે બેકડાઉન તેના પર મીટ મંડાયેલી છે.