કોરોનાની બીજી લહેરમાં રાજકોટ એસટી બસ ડિવિઝનમાં મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વધતા જતા સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજકોટ એસટી ડિવિઝનના લોકલ અને લાંબા રૂટના 200 રૂટ રદ કરવામાં આવ્યા છે. જે બસના રૂટ રદ કરાયા છે એમાં રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોના લોકલ રૂટ રદ કરવામાં આવ્યા છે.
ડેપો મેનેજર એન.બી. વરમોરાએ જણાવ્યું હતું કે, હાલ વિવિધ નવ ડેપોના કુલ 300 જેટલા બસ રૂટ હવે આગામી તા.18 મે સુધી બંધ રહેશે. હાલ 40 ટકા જ બસ પરિવહન ચાલુ છે તે મુજબ યથાવત રહેશે. બંધ રૂટ શરૂ કરવા માટે 18 મે બાદ નવો નિર્ણય લેવામાં આવશે. અત્યારની પરિસ્થિતિ મુજબ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવાનું યથાવત રાખવામાં આવશે.
હાલમાં જે રૂટો ચાલુ છે તે પ્રમાણે બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યા ઘટતી જોવા મળી છે. જો કે મુસાફરોના કોરોના ટેસ્ટ કરવાનું પણ હાલ યથાવત જ રાખવામાં આવ્યું છે અને જેમ જેમ સ્થિતિ સુધરશે તેમ બંધ રૂટો ફરીથી શરૂ કરવામાં આવશે. તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે વોલ્વો ગુર્જર નગરી એક્સપ્રેસ સહિતની બસોના હાલ બસપોર્ટમાં ઢગલા પડયા છે.