મ્યુકરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગ્સ. એક પ્રકારની ફૂગથી થતા રોગના કારણે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય કે અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકરમાયકોસિસનો ચેપ લાગવાની સંભાવના વધુ છે. પરંતુ હાલ કોરોનાગ્રસ્ત ડાયાબિટીસના દર્દીઓને આ રોગ વધુ ઝડપથી લાગુ થઈ રહ્યો છે. આ પાછળનું કારણ જણાવતાં સર્જન ડોક્ટર નવીન પટેલે જણાવ્યું છે તે કોરોના સામે બચવા દર્દીઓને છે સ્ટેરોઈડ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે તેનાથી મ્યુકરમાયકોસિસના મોત વધ્યા છે. સામાન્ય રીતે કોવિડમાંથી સાજા થઈ ગયા હોય પરંતુ આઈસીયુ અને સર્જિકલ વોર્ડમાં રહેલ હોય તેમજ અનિયંત્રિત ડાયાબિટીસ અને સ્ટીરોઇડનો ભારે ઉપયોગ કર્યો હોય તો તેઓને આ બીમારી સૌથી વધુ અસર કરે છે. સિનિયર ઈએનટી સર્જન ડો.નવિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મ્યુકરર્માયકોસિસની સુનામી આવી રહી છે. જે દર્દીઓને મારી રહી છે. જેઓ કોરોના સામે બચ્યા છે તેઓ આનાથી મરી રહ્યા છે જે મોટા ખતરારૂપ છે.
રાજકોટ મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન, દવા અને તબીબી સેવાઓ દર્દીઓને આપવા તેમજ LIMPOSOMAL AMPHOTRECIN-B નો સ્ટોક પુરતો રાખવા કોંગ્રેસ સમિતિના અશોક ડાંગર તેમજ પ્રદિપભાઇ ત્રિવેદીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યાં છે હાલ કોરોના મહામારીને તાંડવ કરી રહ્યો છે એટલામાં જ મ્યુકરમાઇકોસિસએ માથું ઉચક્યું છે ત્યારે આ મહામારીમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને રાજકોટના એકપણ મેડીકલ સ્ટોરમાં ઇન્જેક્શન મળતા નથી તેમજ દવા અને ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. આ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા અવાર નવાર લેખિત-મૌખિક રજૂઆતોના પગલે પણ સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની હજુ પુરતી સુવિધાઓ કરી શકાતી નથી ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને સરકારના પાપે મોતને ભેટવું ન પડે અને તમામ પ્રકારની દવાઓ, ઇન્જેક્શનો, તબીબી સેવાઓ ઉપલબ્ધ રાખવા તેમજ દર્દીઓને મોતના મુખમાંથી બચાવવા લોકહિતમાં માંગણી કરી છે.