પરંપરાગત ઉર્જાની આડઅસરો નિવારવા વૈકલ્પિક ઉર્જા તરીકે દેશને જ્યારે સૌર ઉર્જાની જરૂર છે તેવા સંજોગોમાં સોલાર પેનલ અને ઈલેકટ્રીક સેલ માટે ચીન જેવા દેશો પર નિર્ભર રહેવું પડે છે: કાચા માલની અછત અને પરિવહનની સમસ્યાથી સોલાર ઉદ્યોગ મરણ પથારીએ
ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિશાળ કદ આપવા માટેની રણનીતિમાં વૈકલ્પિક ઉર્જાનું પરિમાણ માનવામાં આવ્યું છે. દેશનું મોટાભાગનું હુંડીયામણ ઈંધણ અને ઉર્જા પાછળ ખર્ચાય જાય છે. વળી હાઈડ્રોકાર્બન અને અણુ ભઠીઓ દ્વારા ચલાવવામાં આવતા પાવર પ્રોજેકટ વાતાવરણમાં ગરમી અને વાયુ પ્રદુષણ ફેલાવાય છે તેની સામે હવે સૂર્ય અને પવન ઉર્જાનું મહત્વ વધ્યું છે. પેરીસમાં યોજાયેલી પર્યાવરણ અંગેની ગ્લોબલ સમીટમાં વડાપ્રધાન મોદીએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવા માટે દરેક જવાબદાર રાષ્ટ્રોને પોત-પોતાના આભામંડળમાં 2 ડિગ્રી તાપમાન ઘટાડવા તૈયાર રહેવા સુચન કર્યું હતું. વડાપ્રધાનના સુચનને દરેક દેશે આવકાર્યું હતું અને ગ્રીન હાઉસ એમીશન ઘટાડવા માટે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જાના વિકલ્પો પર ભાર મુકવાનું નક્કી કર્યું હતું.
ભારતમાં પણ સોલાર ઉર્જાના વિકાસ માટે સરકારે ઘડેલી નવી ઉર્જા નીતિમાં સૂર્ય ઉર્જાના પ્રોજેકટોને અગ્રતા આપવામાં આવી રહી છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ અત્યારે દેશમાં પુરવઠાની સાકળની સમસ્યા અને કાચથી લઈને પાવર સેલ સુધીના સૂર્ય ઉર્જાના તમામ ઉપકરણો વિદેશથી મંગાવવા પડતા હોવાથી ભારે અછતના કારણે સોલાર ઉદ્યોગ રીતસરનો ડચકા ખાઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાથી નિકાસમાં 100 ટકા જેટલો ઘટાડો આવતા સોલાર ઈન્ડસ્ટ્રીઝમાં ચીજવસ્તુઓનો મોટો દુકાળ સર્જાયો છે. હજુ આંતરરાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થા મહિના સુધી દુરસ્ત થાય તેવા સંકેતો નથી.
સોલાર ઉદ્યોગ આ વર્ષે કાચા માલની અછત ઉપરાંત સ્ટીલ અને એલ્યુમીનીયમના વધી રહેલા ભાવો, પરિવહનના વધેલા દરના કારણે ખર્ચો વધી જવાથી સૂર્ય ઉર્જાનો ઉદ્યોગ રીતસરનો મરણ પથારીએ પોઢવાની તૈયારીમાં છે. સોલાર પાવર પ્લાન્ટના અલગ અલગ સ્પેર પાર્ટસ બનાવનાર એમ્ફાસીસ એનર્જીનું કહેવું છે કે, અત્યારે સ્પેર પાર્ટસની વિશ્ર્વ વ્યાપી તંગી ઉભી થઈ છે. એપ્રીલ મહિનામાં મેગ્જીઓન સોલાર ટેકનોલોજી લીમીટેડે જણાવ્યું હતું કે, સોલાર ઉદ્યોગ અત્યારે પુરવઠાની તૂટી ગયેલી ચેઈન, સમયસર માલ પહોંચતો ન હોવાથી સોલાર પેનલના ઉત્પાદનની મોટી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. કાચ, લોખંડ, એલ્યુમીનીયમ અને ટ્રાન્સપોર્ટના વધેલા ભાવો આ ઉદ્યોગ માટે સમસ્યા બની રહી છે.