સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ઝાલાવડમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરીને પગલે ચોટીલા પંથકમાં ત્રણ-સ્થળે વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ચોટીલામાં મકાનમાંથી 65 બોટલ દારૂ પકડાયો અને મકાન માલિક સહિત બે નાશી ગયા છે. જ્યારે જીવાપર ગામની સીમમાં પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરી સ્કોર્પિયોમાંથી 120 બોટલ અને નાશી છૂટેલા બુટલેગરની વાડીમાંથી 238 બોટલ શરાબ પકડી લઇને દારૂના ધંધાર્થીની શોધખોળ હાથધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ આપેલ સુચનાને પગલે એલ.સી.બી.ના પી.એસ.આઇ. વી.આર. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે શાસ્ત્રીનગરમાં રહેતો ગૌતમ રવિશંકર દવેના મકાનમાં મુકેશ ભીમા વાઘેલા અને મિતેષ બટુક મહેતાએ દારૂ છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.21,825ની કિંમતનો 65 બોટલ દારૂ કબ્જે કરી નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
જ્યારે ચોટીલા તાલુકાના ગુંદા ચોકડી ત્રણ રસ્તે મોલડી પોલીસે વાહનનું ચેકીંગમાં હતા ત્યારે ગુંદા ગામનો રાજુ ઉર્ફે નાજા મોહન પટાલીયા નામનો શખ્સ જીજે3એલ 3974 નંબરની સ્કોર્પીયોમાં દારૂને લઇને નિકળતા પોલીસે તેને અટકાવતા તે કાર લઇને નાશી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા રાજુ ઉર્ફે નાની પટાલીયા જીવાપર ગામની સીમમાં કાર રેઢો મુકી નાશી છૂટતા પોલીસે કારમાંથી 36000ની કિંમતનો 120 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. બાદ પોલીસે રાજુ ઉર્ફ નાજા મોહનની વાડીમાં દરોડો પાડતા જુવારના પાકમાંથી રૂા.71,400ની કિંમતનો 238 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર અને દારૂ મળી રૂા.4.08 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.