લોહી સંબંધ છે, સંસ્કાર છે. સૌથી વધુ અપશબ્દ પણ તેને સાંકળીને બોલાય છે, નજીકના લોહીના સંબંધી જ સાચા વારસ ગણાય છે. આપણી પરંપરા જ્ઞાનિ, કુળ, રિવાજોમાં પણ એને ઉત્તરોત્તર સાંકળીને સંસ્કારીતા જોડાયેલ છે. લોહીનો રંગ લાલ છે જે ‘પ્રેમ’ ની નિશાની છે. પ્રેમ કરતાંય સૌથી ઊંચી લોહીની સગાઇ છે. આપણી દિનચર્યા, સ્વભાવ, રહન સહન શરીરના આનુવાંશિક ગુણો આ લોહીથી ઓળખાતા હોય છે. બાપ થી બેટો ઓળખાય તે વાકય જ જન્મના કોષોને ઉત્તરોતર પેઢી દર પેઢી આવતા કુળ, રિવાજો સંસ્કારોમાં આ લોહીનું મહત્વ છે. ઘણા રોગો પણ અનુવાંશિક ને કારણે જ થાય છે. ડોકટર પણ ઘણીવાર પૂછે છે કે પરિવારમાં આવું કોઇને હતું? આપણને જીવંત રાખનારા લોહી આપણી જીવન યાત્રા સાથે આપણાં જન્મના આગળ-પાછળની વાત સાથે જન્મનાંકર્તા સાથે જોડાયેલ છે. આપણી કોઠાસુઝ પણ આપણા રકતને આભારી છે. માતા-પિતાના લક્ષણો, સ્વભાવ વિવિધ કક્ષાઓ આ ઉત્તરોતર લોહીના કણ કણને આભારી છે. કલાકારનો પુત્ર કલાકાર એટલે જ બને છે.
લોહી એક જીવંત પ્રવાહી છે. વિજ્ઞાને માનવરકતને નાથ્યું છે અને માનવ રકતની સારવાર દ્વારા કરોડો લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે. રકતનાં રહસ્યોના ગુઢ ભંડારમાંથી જે કાંઇ વિજ્ઞાનને હાથ લાગ્યું છે તે સૌએ જાણવાની જરૂર છે. એક માનવીની લોહીની જરૂરિયાત બીજો માનવી રકતદાન કરીને જ પૂરી પાડી શકે, વિશ્ર્વભરમાં સમગ્ર જીવનની એકતાનું પ્રતિક લોહી છે, રકતદાન મહાદાન છે. પ્રત્યેક શરીરમાં ધબકતું લોહી તો એક સહિયારી મૂડી સમાન છે. આ મૂડીનો સદઉપયોગ એટલે જ સ્વૈચ્છીક રકતદાન, મુરઝાતી માનવ જિંદગીને ફરી મહેકતી કરવામાં માનવ રકતે કમાલ કરી બતાવી છ. પવર્તમાન કોરોના મહામારીમાં રકતદાન કરનાર રકતદાતા ખરા અર્થમાં કોરોના વોરિયર છે.
આપણા રકતના ઘણા વિભાગો છે જેમાં આલ્બ્યુમીન, એન્ટીકોગ્યુલન્ટ, કોગ્યુલન્ટ, ફાઇબ્રીન, ગામા ગ્લોબ્યુલીન, ગ્લોબ્યુલીન અને હિમોગ્લોબીન જેવા ઘણા તત્વો વિભાગો છે. દરેકના કાર્યો અલગ અલગ છે. આજના આ લેખમાં આ બધા વિભાગોની સરળ શૈલીમાં આપને સમજ આપવાની કોશિશ કરી છે. રકત વિશે પૃથ્વી પર વસનાર દરેક માનવીએ જાણવાની જરૂર છે. આજે કોરોના મહામારીમાં પ્લાઝમાની બહુ ચર્ચા થાય છે તે લોહીનો પ્રવાહી ભાગ છે. રકત વિશેની રોચક જાણકારી માટે તેના વિવિધ વિભાગોને જાણવા જરૂરી છે.
આલ્યબ્યુમીન:- આ એક ચીકણો જીલેટાઇન જેવો પદાર્થ છે એનું ઘણું જ જાણીતું સ્વરૂપ ઇંડાની સફેદી છે. પ્રોટીન નામે જાણીતા પોષક તત્વોના વર્ગમા આલ્બ્યુમીન આવે છે. ઇંડાની સફેદી તરીકે તેને આલ્બ્યુમીનમેન કહેવાય છે. જયારે સામાન્ય પદાર્થ તરીકે ફકત આલ્બ્યુમીન કહેવાય છે. ઇંડાની સફેદીને ઓવાલ્બુમીન કહેવાય છે તથા દૂધના આલ્બ્યુમીનને લેકટાબ્લ્યુમીન કહેવાય છે. લોહીના પ્રવાહી જથ્થામાં રહેલ આલ્બ્યુમીનને સીરમ આલ્બ્યુમીન કહેવાય છે. લોહીના પ્રવાહી પદાર્થમાં અર્ધા કરતાં પણ વધુ પ્રોટીન તેનું બનેલું છે. વનસ્પતિ પદાર્થોમાં પણ આલ્બ્યુમીન મળી આવે છે. બધા જ પ્રકારનાં આલ્બ્યુમીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓકસીજન અને ગંધક રહેલા હોય છે. જયારે ગરમ કરવામાં આવે છે ત્યારે આલ્બ્યુમીન એક કઠણ જથ્થો બની જાય છે. પાણી સાથે જયારે આલ્બ્યુમીનને ગરમ કરવામાં આવે છે ત્યારે કાં તો કાંપને રૂપે શીશીને તળિયે રહે છે અથવા પાણી ઉપર તરતા કચરા માફક સપાટી ઉપર રહે છે. આ કાંપ કે સપાટી ઉપર તરતો કચરો જયારે બને છે ત્યારે વિજાતીય પદાર્થો એકઠા કરે છે. આ જ કારણે ઘણા રસોઇયા કોફીમાં ઇંડા કે ઇંડાની સફેદી નાખે છે. ખાંડના શુઘ્ધિકરણમાં, ઔઘોગિક રંગોમાં અને ફોટોગ્રાફનાં રાસાયણોમાં અશુઘ્ધિ દૂર કરવા આલ્બ્યુમીનનો ઉપયોગ થાય છે. ભારે ધાતુઓનાં ઝેરી તત્વોના સંસર્ગમાં આવતાની સાથે આલ્બ્યુમીન ઘણાં જ સખત બની જાય છે. પારાના બાયકર્લારાઇડની ઝેરી અસરવાળી વ્યકિતને વિષમારણ તરીકે ઇંડાની સફેદી આપવાનું પણ આ જ કારણ છે જેને પાચક રસો ઓગાળી શકતા નથી તેવા સખત ઝેરી પડને આલ્બ્યુમીન ઢાંકી દે છે.
એન્ટીકોગ્યુલન્ટ:- લોહીને જામી જવામાં ડીલ પેદા કરનાર અથવા રોકનાર પદાર્થને એન્ટીકોગ્યુલન્ટ કહેવાય છે. શરીરમાં લોહીનો ગઠ્ઠો ન જામે તે માટે સામાન્ય રીતે પદાર્થો લોહીમાં રહેલા હોય છે. કોઇ વખત લોહી ધમનીઓ કે નસોમાં જામી જાય છે. લોહી વધુ જામી ન જાય તે માટે ડોકટરો એન્ટીકોગ્યુલન્ટ દવાઓનો ઉપયોગ કરે છે. હેપારીન નામનું ઔષધ યકૃતમાંથી મેળવવામાં આવે છે. આ તેક ઉત્તમ ઔષધ છે, કેમ કે લોહીમાં તરત ભળી જઇ લોહી જામવાની પ્રક્રિયાને કાં તો ધીમી બનાવે છે અથવા તો નાબૂદ કરે છે. કાઉ મેરીન્સ નામનું બીજું ઔષધ ખરેખરું ર્અન્ટીકોગ્યુલન્ટ ગણાતું નથી. આ દવા લોહી સાથે ભળતી નથી, પણ લોહીમાં રહેલ ગઠ્ઠો જમાવતાં તત્વોને દબાવે છે.
કોગ્યુલન્ટ:- આ એક એવો પદાર્થ છે જે પ્રવાહીને જમાવે છે કે પ્રવાહીનો ગઠ્ઠો બનાવે છે. રેસીનનામના એન્ઝાઇમને કારણુ દૂધ જામીને દહીં બને છે. કોગ્યુલન્ટના કાર્યમાંથી સૌથી મહત્વનું કાર્ય લોહીમાં ગઠ્ઠો જમાવવાનું છે. લોહીમાં ગઠ્ઠો જમાવતા ઘણાં તત્વો વિજ્ઞાનીઓએ શોઘ્યાં છે. આ બધાંનું સહિયારું કાર્ય લોહીમાં ગઠ્ઠો જમાવવાનું છે. આમાંથી એક પણ તત્વની ઊણપ હોય તો લોહીમાં ગઠ્ઠો જમાવવાની તાસીર નબળી પડે છે. ડોકટરો આથી ઘટનાં તત્વો લોહીમાં ઉમેરે છે. દા.ત. હિમોફિલીયા નામના લોહીના દર્દમાં લોહીનો ગઠ્ઠો જમાવવા ડોકટરો એન્ટી-હિમોફીલીક ગ્લોબ્યુલીન નામના પદાર્થનો ઉપયોગ કરે છે. બીજા કિસ્સાઓમાં લોહી જામી જાય અને રકતસ્ત્રાવ અટકે તે માટે ડોકટરો દર્દીની વિટામીન ‘કે’ અથવા ફાઇબ્રિનોજન આપે છે.
ફાઇબ્રીન:- લોહીના ગઠ્ઠામાં રહેલ મહત્વનો ભાગ બનતો આ એક સફેદ રેસાવાળો પ્રોટીન પદાર્થ છે. લોહીમાં ગઠ્ઠો જામવાની ક્રિયાને કોગ્યુલેશન કહેવાય છે. લોહીના પ્રવાહી ભાગ પ્લાઝમામાં રહેલ ફાઇબ્રીનોજન નામના પ્રોટીનમાંથી ફાઇબ્રીન બને છે. જયારે કોઇપણ ઘા કે ચીરામાંથી લોહી વહેવા માંડે છે ત્યારે ફાઇબ્રીનના કણો એકત્ર થઇ ફાઇબ્રીનોજનના કણ એકત્ર થઇ ફાઇબ્રીનના લાંબા તંતુઓ બનાવે છે. આ તંતુઓ (તાંતણા) ઘા ઉપર ચાળણી જેવો દાટો બનાવે છે. રકતકણ આ જાળીમાં ફસાઇ જાય છે. અને લોહી જામવાની પ્રક્રિયામાં મદદઘપ બને છે. રકતકોષોની અંદર પણ લોહીના ગઠ્ઠા જામી શકે છે.
ગામા ગ્લોબ્યુલીન:- લોહીના પ્રવાહી ઘટક પ્લાઝમામાં મળી આવતા પ્રોટીન પદાર્થો માંહેનું એક ગામા ગ્લોબ્યુલીન છે. શરીરની રોગ-પ્રતિકારક શકિતની વ્યવસ્થામાં ગામા ગ્લોબ્યુલીન મહત્વનો ભાગ ભજવે છે અને તેથી તેઓ ઇમ્યુન ગ્લોબ્યુલીન્સ તરીકે જાણીતાં છે. શરીરના પ્રવાહી હિસ્સામાં ઘણાં ખરાં પ્રતિવિષ ગામા ગ્લોબ્યુલીન્સ હોય છે. લીમ્ફોસાઇટસ તરીકે ઓળખાતા લોહીના શ્ર્વેતકણો જયારે જીવાણુ કે વિષાણુ જેવા હાનિકારક પદાર્થના સંપર્કમાં આવે છે ત્યારે પ્રતિવિષ ઉત્પન્ન કરે છે. આ પ્રતિવિષ હુમલાખોર તત્વોનો પ્રતિકાર કરે છે અને તેને નષ્ટ કરે છે.
માનવશરીરના પ્લાઝમામાં રહેલ ગામા ગ્લોબ્યુલીન માનવશરીર દ્વારા પેદા થયેલા ઘણાં બધાં પ્રતિવિષનું બનેલું હોય છે. ઘણા બધા રકતદાતાઓના પ્લાઝમાના મિશ્રણમાં બધી જ જાતના પ્રતિવિષ હોય છે, કારણ કે તેમાં બધા જ રકતદાતાના સંયુકત ગામા ગ્લોબ્યુલીન હોય છે. દવા બનાવનારા આવા મિશ્રણમાંથી ગામા ગ્લોબ્યુલીન છુટુ પાડી, તેને શુઘ્ધ કરી વપરાશ માટે મુકત કરે છે. વિષાણુજન્ય કમળો કે ઓરી જેવા ચેપી રોગોમાં તે રોગો પ્રસરતા અટકાવવા કે મટાડવા માટે ડોકટરો ગામા ગ્લોબ્યુલીનનાં ઇન્જેકશન આપે છે. જેના શરીરમાં પૂરતાં પ્રતિવિષ પેદા ન થતાં હોય તેવા દર્દીને પણ ગામા ગ્લોબ્યુલીન આપવામાં આવે છે.
ગ્લોબ્યુલીન:- લોહીના પ્રવાહી ભાગ પ્લાઝમાનું આ એક પ્રોટીન ઘટક છે. વિજ્ઞાનીઓ આને આલ્ફા, બીટા અને ગામા ગ્લોબ્યુલીન તરીકે ઓળખાવે છે. દરેક જુથ, ખાસ કરીને ગામા, પ્રતિવિષ ધરાવે છે. અને ચેપ સામે રક્ષણ આપે છે. ચેપ લાગવા સમયે જયારે વધુ પ્રતિવિષની જરુર પડે છે ત્યારે ગામા ગ્લોબ્યુલીનનું તત્વ વધી જાય છે.
હિમોગ્લોબીન:- લોહીમાં પ્રાણવાયુનો સંચાર કરતું આ એક રંગ આપનારું દ્રવ્ય છે. એ રકતકણોમાં રહેલ છે અને લોહીનો લાલ રંગ તેને કારણે છે. જયારે રકતકણો ફેફસામાં રહેલ હવાની કોથળીમાંથી પસાર થાય છે ત્યારે તે પ્રાણવાયુ ગ્રહણ કરે છે. આ પ્રાણવાયુ સાથે મળીને હિમોગ્લોબીન એક પદાર્થ બનાવે છે. જે ઓકસી હિમોગ્લોબીન તરીકે ઓળખાય છે. જયારે રકતકણો આખા શરીરમાં ભ્રમણ કરે છે ત્યારે તે રકતકોષોને પ્રાણવાયુ પૂરો પાડે છે. રકતકોષોમાંથી હિમોગ્લોબીન અંગારવાયુ ખેંચી લે છે અને ફેફસાની હવાની કોથળીઓ દ્વારા તેનો નિકાલ કરે છે અને ઉચ્છવાસ દ્વારા આ અંગારવાયુ બહાર ફેંકાઇ જાય છે. હિમોગ્લોબીન લોહતત્વ અને ગ્લોબીન નામના પ્રોટીન ધરાવતું એક જટિલ અણુ છે. હિમોગ્લોબીનની ઊણપ કે વારસાગત હિમોગ્લોબીનમાં રહેલી ખામીઓને કારણે એનીમિયા (પાંડુરોગ) થાય છે. કેટલાંક ઝેરી તત્વો હિમોગ્લોબીન સાથે એવી રીતે સંયુકત થઇ જાય છે કે હિમોગ્લોબીનમાં પ્રાણવાયુ ભળી શકતો નથી. આમ રંગ બનાવવા વપરાતા પાયાનાં રસાયણો બને છે, જે પદાર્થ પ્રાણવાયુ ગ્રહી શકતો નથી. લોહીનો રંગ ભૂરાશ પડતો વાદળી બની જાય છે. હિમોગ્લોબીન સાથે કાર્બન ર્માર્નાકસાઇડ નામનો ઝેરી વાયુ મળી જાય છે અને લોહીને ખુલતો લાલ રંગ આપે છે. પણ આ વાયુ લોહીને પ્રાણવાયુ લેવાથી વંચિત રાખે છે.
વિજ્ઞાનીઓએ ઘણા પ્રકારના હિમોગ્લોબીન ઓળખી બતાવ્યાં છે. વ્યકિતનો હિમોગ્લોબીનનો પ્રકાર વારસાગત હોય છે. સૌથી વધુ સામાન્ય રીતે જોવા મળતો પ્રકાર હિમોગ્લોબીન ‘ઉે’ છે. હિમલોગ્લોબીનનો એક અસામાન્ય પ્રકાર હિમોગ્લોબીન ‘એસ’ અથવા સીકલ હિમોગ્લોબીન છે, જે સીકલ સેલ એનીમીયા નામનો રોગ પેદા કરે છે જે રકતકણોમાં હિમોગ્લોબીન ‘એસ’ વધુ હોય છે તેવા રકતકણો કડક અને બગડેલા આકારવાળા હોય છે. આવા રકતકણો રકતકોષોને બંધ કરી દે છે.