પોરબંદરમાં આવેલા ઓકસીજનના બે પ્લાન્ટ મારફત જિલ્લામા સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રાણવાયુ પુરો પાડવામાં આવે છે. દરરોજ અંદાજે 1100 જેટલા સીલીન્ડર ભરીને કર્મચારીઓ દિવસ રાત સખત મહેનત કરી રહ્યા છે. સીધ્ધી સેલ્સ કોર્પરેશનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા લખનસિંહ સોલંકીએ કહ્યુ કે, કોરોના અગાઉ આખા દિવસમાં ફક્ત બે કલાકનું કામ રહેતું. અત્યારે 24 કલાક પ્લાન્ટ ચાલુ રહે છે.
પોરબંદર જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર્સ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને પ્રાણવાયુ પુરો પાડવા માટે પોરબંદરમાં કાર્યરત બે પ્લાન્ટ 24 કલાક ચાલુ રહે છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેક ટાંકે કહ્યુ કે, કૃપા કાર્બોનિક પ્લાન્ટ અને સીધ્ધી સેલ્સ કોર્પરેશન પ્લાન્ટ મારફત હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરર્સમાં દરરોજ અંદાજે 1100 જેટલા સીલીન્ડર પુરા પાડવામાં આવે છે. દેખરેખ અને વ્યવસ્થાના ભાગરૂપે પ્લાન્ટમાં રેવન્યુ અને પોલીસના કર્મચારીઓને પણ 24 કલાકની ડ્યુટી સોપવામા આવી છે. જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને પુરતુ ઓકસીજન મળી રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.
સિદ્ધિ સેલ્સના ધીરેનભાઈ શાહે કહ્યું કે, અમારા પ્લાન્ટમાં બે ફિલિંગ પમ્પ છે. એક ફીલિંગ પંપમાં એક સાથે 20 સિલિન્ડર ભરવામાં આવે છે, જે માટે 30 થી 35 મીનીટ જેટલો સમય લાગે છે.દરરોજ 600થી 650 જેટલા સિલિન્ડર પૂરા પાડવા માટે અંદાજે પાંચ ટન જેટલું લીક્વિડ રિલાયન્સ દ્વારા પુરૂ પાડવામાં આવે છે. સરકાર દ્રારા અમને એક સિલિન્ડર દીઠ નીયત રકમ ચુકવવામાં આવે છે.
પ્લાન્ટમાં ફરજ બજાવતા 52 વર્ષીય કર્મચારી બધાભાઈ મોરીએ ભાવુક થઈને કહ્યું કે, કોરોના મહામારીના કારણે હોસ્પીલોમા ઓક્સીજન પુરુ પાડવા પ્લાન્ટ સતત ચાલુ રાખવો પડે છે જેથી હું 24 કલાક અહીં જ રહું છું. દરરોજ 20- 25 જેટલી રીક્ષાઓમાં હું 150થી 200 જેટલા સિલિન્ડર ચડાવું છું.આ કપરા સમયમાં આપણે સૌએ સાથે મળીને કોરોનાની મુસીબતમાંથી બહાર આવવાનું છે.પોરબંદરમાં કાર્યરત ઓક્સિજનના બંને પ્લાન્ટ દ્વારા જિલ્લાની હોસ્પિટલો કોવીડ કેર સેન્ટરમા પ્રાણવાયુ પૂરો પાડવા માટે કર્મચારીઓ,શ્રમિકો, ડ્રાઇવરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત રેવન્યુ અને પોલીસનો સ્ટાફ પ્લાન્ટમાં દેખરેખ માટે સતત ફરજ બજાવી રહ્યા છે.