માતૃભૂમિનો ઋણ ચૂકવવાનો આ અવસર છે આવા ઉચ્ચતમ ભાવો સાથે ભારતથી દૂર રહેવા છતાં યુએસએના જૈનમ સંસ્થાના ભાવિકોએ, ભારત દેશની કોરોના મહામારીની અતિ વિકટ પરિસ્થિતિ નિહાળી, ઓક્સિજન અને દવાઓના અભાવે અનેક જીવોને મૃત્યુ પામતા નિહાળી, હજારો ગરીબ પરિવારોની આર્થિક વિષમતાને નિહાળી તેવા દરેક પરિવારોને સહારો આપવા, તેઓને મૃત્યુનાં મુખથી બચાવવા માટે માનવતાના મસીહા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને આચાર્ય ઉદયવલ્લભસૂરિજી મહારાજ સાહેબનાં સાંનિધ્યે લાઇવના માધ્યમે જોડાઈને ભારતમાં કોવિડ રિલીફ ફંડ રેઈઝ કરવાનું આયોજન ગોઠવી માતૃભૂમિનું ઋણ ચૂકવી એક જબરદસ્ત મિશાલનું સર્જન કર્યું.
જૈનમ તે સમગ્ર સંઘોને જોડતી એક શિરસસ્થ સંસ્થા છે. જે વર્ષોથી નોર્થ અમેરિકાના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. આ અવસરે કમલેશભાઈ ઓઝાના સુંદર સંચાલન સાથે જૈનમનાં પ્રેસિડેન્ટ મહેશભાઈ વાધર, હરેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, શરદભાઈ દોશી, બીરેનભાઈ શાહ, જયેશભાઈ પોરવાલ, કમલેશભાઈ શાહ, જશવંતભાઈ મોદી, આદિ નોર્થ અમેરિકાના સંઘોના અનેક પ્રતિનિધિઓ વિશેષ ભાવો સાથે જોડાયાં હતાં. સિદ્ધ સિંગર પલક મુછાલજી પણ સત્કાર્યના આ અવસરે વિશેષભાવો સાથે જોડાયા હતા.
દેશનાં દરેક નાગરિકને સ્વયંના સ્વજન તરીકે ઓળખાવીને એમના પ્રત્યે અંતરના અપાર કરુણા ભાવે આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, આ માતૃભૂમિ આજે આપણાં જ બંધુઓ અને સ્વજનોને બચાવવા માટે સહાયતાનો જ્યારે પોકાર કરી રહી છે ત્યારે જે ભૂમિ પર આપણે સહુ ધર્મના અને જીવદયાના સંસ્કાર પામ્યાં છીએ તે માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો આ સમય આવ્યો છે. મંદિરમાં જવા માટે પગ જોઈએ પણ ભગવાનને પામવા હૃદય જોઈએ. સ્વયંનાં સુખ માટેના સ્વાર્થી તો આપણે હંમેશા બનતાં હોઈએ, પરંતુ આજે અવસર છે સહાય રથના સારથિ બનવાનો. મજબૂરીમાં ઘેરાયેલા દેશના હજારો પરિવારો માટે આજે માનવતા પોકાર કરી રહી છે અને કોઇની મજબૂરીને મજબુતીમાં ક્ધવર્ટ કરી શકે તે જ મહામાનવની નિશાની હોય છે. સુખનું એડ્રેસ સેલ્ફીશ બનવામાં નહીં સેલ્ફલેશ સેવામાં રહેલું છે.
એ સાથે જ, અમેરિકાના દરેક ભારતીયને પોતપોતાના ગામના કોઈ એક પરિવારને દત્તક લેવાની પાવન પ્રેરણા કરતાં પરમ ગુરુદેવે ભારતના કપરાં સમયમાં જૈનમના અમૂલ્ય સાથની ઐતિહાસિક સાક્ષી બનવાના મંગલ આશીર્વાદ આપ્યાં હતાં.
આચાર્ય ઉદયવલ્લભસૂરિજી મહારાજ સાહેબે આ અવસરે ઉપસ્થિત સહુ અમેરિકનના શરીરમાં ધબકી રહેલાં ભારતીય હૃદયની ભાવનાની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, આ કાળમાં દરેકને પુણ્યના તેમજ પુણ્યશાળી વ્યક્તિના સપોર્ટની જરૂર છે, ત્યારે જો આપણે પુણ્યશાળી છીએ તો આપણે પણ કોઈકના સપોર્ટર બનીએ. સંસ્થાના પ્રમુખ મહેશભાઈ વાધરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની ભારતમાં કોરોનાના સમયમાં થતી સેવાઓને બિરદાવી, તેમના પ્રત્યે પોતાનો અત્યંત અહોભાવ પ્રગટ કર્યો હતો. અંતમાં, ગુરુવાર્યોના શ્રીમુખેથી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અને મંગલપાઠ સાથે સંપન્ન થયેલાં આ અવસરે યુએસએના અનેક ભાવિકો હૃદયની ઉદાર ભાવના સાથે માતબર રકમનું અનુદાન અર્પણ કરી ભારતના અનેક જરૂરીયાતમંદોને ઓક્સિજન ક્ધસન્ટોર જેવી અનેક પ્રકારની સહાયતા પહોંચાડવા કટિબદ્ધ બન્યાં હતાં.