ગીર સોમનાથના ડીડીઓ તરીકે રવિન્દ્ર ખાટેલાની નિમણુંક
રાજય મહેસુલ વિભાગ દ્વારા કોરોનાની કામગીરીની વ્યસ્તતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લાંબા સમય બાદ એક સાથે નવ સનદી અધિકારીની અસર પરસ બદલીના હુકમ ઇસ્યુ કરવામાં આવતા મહેસુલ વિભાગમાં અધિકારીઓની બદલીથી નવો સંચાર ઉભો થયો છે. બે કલેકટર અને સાત ડીડીઓની બદલીમાં સૌરાષ્ટ્રના ભાગે ગીર સોમનાથ જિલ્લામાં નવા ડીડીઓ તરીકે રવિન્દ્ર ખાટેલાની નિમણુંક કરાઇ છે.
રાજયમાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા નવ આઇએએસ અધિકારીની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. સુરતના ડીડીઓ એચ.કે.કોયાને સાબરકાંઠા કલેકટર તરીકે નિયુકત કરાયા છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર એ.એમ.શર્માને આહવા-ડાંગ કલેકટર તરીકે, ખેડા-નડીયાદના જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીને સુરત વિકાસ અધિકારી તરીકે નિમણુંક અપાઇ છે. ગુજરાત ઉદ્યોગ વિકાસ કમિશનર કે.એલ.બચાણીને ખેડાના ડીડીઓ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ગાંધીનગર અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર ડી.ડી.કાપડીયાને તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકે, ગુજરાત જાહેર સેવા આયોગના સેક્રેટરી એ.ડી.લાખાણીને મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડના સ્પેશ્યલ ડ્યુટી અધિકારી પી.ડી. પલસાણાને નર્મદાવિકાસ અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે. ટેકનિકલ એજ્યુકેશનના જોઇન્ટ ડાયરેકટર એ.બી.રાઠોડને પંચ મહાલ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરાઇ છે. ખેતીવાડી વિભાગના નાયબ સચિવ રવિન્દ્ર ધ્યાનેશ્ર્વર ખાટેલાને ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક કરાઇ છે.