ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુના માહોલમાં રાજકોટીયન્સની સમય સુચકતા અને સાવચેતી સામે કોવિડ-19 વાયરસ હાંફી ગયું હોય તેમ દર્દીઓની સંખ્યા અને ટેસ્ટીંગ માટેની લાઈનો અદ્રશ્ય થઈ ગઈ છે. બીજી તરફ રિકવરી રેટ પણ દિવસે દિવસે વધતો જાય છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓની સંખ્યામાં જબ્બર ઘટાડો અને તેની સામે દર્દીઓની સાજા થવાની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની તકેદારી, પ્રજાની સાવચેતીથી ગુજરાતમાં સમગ્ર દેશ કરતા પરિસ્થિતિ વિપરીત ચાલી રહી છે. અન્ય રાજ્યો સહિત દેશમાં નવા કેસોની સંખ્યામાં વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ સહિત ગુજરાતમાં તમામ શહેર-જિલ્લાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કાબુમાં આવી ગયો છે. લોકોએ હોમ આઈસોલેશનની સ્વયંભુ જાગૃતિ અને રસીકરણની ખેવના સાથે તંત્ર દ્વારા થઈ રહેલી સઘન કામગીરીથી હવે કોરોનાના વળતા પાણી દેખાઈ રહ્યાં છે.
છેલ્લા 7 દિવસમાં કોરોના કેસનું પ્રમાણ ઘટ્યું: ડો.નિરાલી ચૌધરી
છેલ્લા 7 દિવસમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.70% જેટલો કોરોના ટેસ્ટિંગ કેસોમાં ઘટાડો થયો છે. ટેસ્ટિંગમાં પહેલા વેઇટિંગ હતું જેની સામે અત્યારે થોડા જ દર્દીઓ જોવા મળી રહ્યા છે. 150 કીટની સામે પહેલા 40 થી 50 કેસો આવતા. અત્યારે 150 ટેસ્ટની સામે 15 જેટલા જ પોઝિટિવ કેસો આવે છે. લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. જેનું આ પરિણામ છે. લોકો હજુ પણ સાવચેતી રાખે તે પણ ખૂબ જરૂરી છે.