કોરોના જતા જશે, હવે મ્યુકરમાયકોસિસે મોતનું તાંડવ સર્જયુ!!
વરસાદી પાણીના ટીપા કરતાં પણ નાના એવા કોરોના વાયરસએ વિશ્વ આખાને હતપ્રત કરી દીધું છે. ઘણા દેશો બીજી લહેર તો ઘણા દેશો ત્રીજી લહેરમાં સપડાયા છે. કોરોના લોકોને પોતાની ઝપેટમાં તો લઈ જાય છે પણ આ સાથે શરીરના અન્ય ભાગોને ગંભીર નુક્સાન પહોંચાડી અન્ય રોગ પણ “દેન”માં આપી જાય છે. હજુ કોરોના સામે તો દર્દી ગમે તે રીતે બચી જાય છે. પરંતુ કોરોનાથી “બાય પ્રોડક્ટ” તરીકે જે નવી નવી બીમારી મળી રહી છે. તેમાંથી ઉગરવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં આવી જ એક બીમારીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. જેનું નામ છે મ્યુકરમાયકોસીસ. જે દર્દીઓને ડાયાબીટિસ અથવા અન્ય કોઈ ગંભીર બિમારી છે એ લોકો આ મ્યુકરમાયકોસીસ બીમારીનો વધુ ભોગ બની રહ્યા છે અને હાલ આપણે એક નહીં પણ બે બે મહામારીનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ડાયાબિટીસ ધરાવનારા કોરોનાગ્રસ્ત દર્દીઓ પર મ્યુકરમાયકોસિસનો ખતરો વધુ
મ્યુકરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગ્સ. એક પ્રકારની ફૂગથી થતા રોગના કારણે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય કે અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકરમાયકોસિસનો ચેપ લાગવાની સંભાવના વધુ છે. પરંતુ હાલ કોરોનાગ્રસ્ત ડાયાબિટીસના દર્દીઓને આ રોગ વધુ ઝડપથી લાગુ થઈ રહ્યો છે. આ પાછળનું કારણ જણાવતાં સર્જન ડોક્ટર નવીન પટેલે જણાવ્યું છે તે કોરોના સામે બચવા દર્દીઓને છે સ્ટેરોઈડ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે તેનાથી મ્યુકરમાયકોસિસના મોત વધ્યા છે. સામાન્ય રીતે કોવિડમાંથી સાજા થઈ ગયા હોય પરંતુ આઈસીયુ અને સર્જિકલ વોર્ડમાં રહેલ હોય તેમજ અનિયંત્રિત ડાયાબિટીસ અને સ્ટીરોઇડનો ભારે ઉપયોગ કર્યો હોય તો તેઓને આ બીમારી સૌથી વધુ અસર કરે છે. સિનિયર ઈએનટી સર્જન ડો.નવિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મ્યુકરર્માયકોસિસની સુનામી આવી રહી છે. જે દર્દીઓને મારી રહી છે. જેઓ કોરોના સામે બચ્યા છે તેઓ આનાથી મરી રહ્યા છે જે મોટા ખતરારૂપ છે.
આ ગંભીર બિમારીથી બચવું હોય તો કોરોના સામે થતા સ્ટેરોઇડનો ઉપયોગ ટાળો
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે લડવા માટે હાલ ઘણા કોવિડ સેન્ટરો તેમજ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટેરોઇડ્સ આપવામાં આવે છે. જે કોરોના સામે તો આંશિક રીતે કારગર નિવડે છે પરંતુ મ્યુકરમાયકોસીસને આમંત્રિત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો-ડોક્ટરોએ ચેતવણી આપી છે કે કોરોના દરમિયાન સ્ટીરોઇડ્સના પ્રચંડ ઉપયોગને તર્કસંગત બનાવવાની જરૂર છે. અન્યથા મોટું મોતનું તાંડવ ઉભું થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ બીમારીની સારવાર પણ અતિ ખર્ચાળ છે. દર્દીનો પરિવાર 5 લાખથી લઈને 30 લાખ રૂપિયા સુધીના બીલો ભોગવી રહ્યા છે. અને તેમ છતાં આ ફંગલ ચેપ મોટી ટકાવારીએ લોકોનો દમ તોડી રહ્યો છે. આ મ્યુકરમાયકોસીસ સારવાર માટેનું એક ઈન્જેક્શન (30 એન્ફોટેરિસીન) આશરે રૂ. 2800માં મળે છે અને તેને સતત અમુક અઠવાડિયાઓ સુધી અને દરરોજ 5 થી 6 વખત આપવા જ પડે છે. આ પ્રમાણે 3 મહિના સુધી કોર્સ કરવો પડે છે. દરરોજનો ખર્ચો 25થી 30 હજારએ પહોંચી જાય છે. જેના કારણે આ બીમારીનો ભોગ બનનાર દર્દીના પરિવારને કોરોના ઉપરાંત બેવડો માર પડી રહ્યો છે. ડોક્ટર નવીન પટેલે જણાવ્યું કે સરકારે આ કિંમતો ઘટાડી પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા પગલા લેવા જોઈએ. ઈનફેક્ટીયશ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેન કારેલીયાએ
આ વિશે માહિતી આપતા કહ્યું કે કોરોનાને કારણે મ્યુકરમાયકોસીસના કેસ પણ વધ્યા છે. માત્ર સુરત, વડોદરા નહીં પણ દાહોદ, ગોધરા,આણંદ અને નડિયાદમાં પણ કેસ વધ્યા છે. લગભગ કોરોના થઈ ગયા બાદ એક કે બે મહિના બાદ મ્યુકરમાયકોસીસના લક્ષણ જોવા મળે છે. જે દર્દીઓને ડાયાબીટિસ અથવા કેન્સર છે તેમના પર વધુ ખતરો રહે છે.
મ્યુકરમાયકોસીસની સારવારનો મોટો ખર્ચ દર્દીને પડ્યા પર પાટુ
એક તો હાલ જે લોકો હજુ કોરોનામાંથી બહાર આવ્યા છે. ડાયાબિટીસ તેમજ કેન્સર ગ્રસ્ત દર્દીઓને કોરોના થયો હોય અને તેમાંથી બહાર નીકળવા માટે જે મોટો ખર્ચો કર્યો હોય તે બાદ આ મ્યુકરમાયકોસીસ બીમારીમાંથી ઉગરવા માટે થતો ખર્ચો દર્દીને પડ્યા પર પાટુ સમાન છે. મ્યુકરમાયકોસીસની સારવાર માટે અપાતું એક ઈન્જેક્શન રૂપિયા 2800 થી 3000માં આવે છે. આવા ઈન્જેક્શન એક કે બે અઠવાડિયા માટે દરરોજ 5 થી 6 આપવાના હોય છે. આમ આ થેરાપી દર્દીના પરિવારને 30 લાખ સુધીમાં પડે છે.
શું છે આ મ્યુકરમાયકોસીસ અને તેના લક્ષણો ??
આ મ્યુકરમાયકોસીસ બીમારી એ કોરોના કરતાં પણ વધુ ઘાતકી સાબિત થઇ રહી છે. આ એક પ્રકારની ફૂગથી થતી બીમારી છે. એટલે કે તે ફંગલ ઈન્ફેક્શનથી થાય છે. જે લોકોનું સુગર લેવલ વધારે હોય છે તેઓ અને આ બીમારીનો ચેપ ઝડપથી લાગુ થાય છે. હાલ કોરોનાને કારણે આ બીમારી વધુ ઝડપથી પ્રસરી રહી છે.
મ્યુકરમાયકોસીસના લક્ષણો
દર્દીના હાથ-પગ સહિતના શરીરના તમામ ભાગમાં લાલ ચાંભા થઈ જવા
સોજો ચડી જવો
માથામાં સતત દુખાવો
દ્રષ્ટિ ઝાંખી થઈ જવી
આંખોમાં બળતરા અને દુખાવો થવો
સ્નાયુઓનો દર્દ થવો
લાલાશ પડતી ચામડી થઈ જવી