ફિલ્મમાં રોકાણ કરી લાખો કમાવાની લાલચ આપી જૂનાગઢના યુવક સાથે રૂ. 9 લાખની છેતરપિંડી કરનારા બરોડાના ફિલ્મ પ્રોડ્યૂસર અને હિરોઈન આગોતરા જામીન સાથે આજે જૂનાગઢ પોલીસ સમક્ષ હાજર થયા હતા.
જુનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા હરેશ ઓઝા નામના યુવાન સાથે યુટ્યુબમાં રાણકદેવી ફિલ્મ નામની ચેનલ ધરાવતા બરોડાના પ્રોડ્યુસર રોહિત છોટુલાલ પટેલ તથા યુટ્યુબ હિરોઈન પૂજા દિલીપભાઇ પંચાલ એ સને 2019 માં એક ફિલ્મ બનાવી અપલોડ કરવા માટે રૂ.15 લાખ ની જરૂર હોય અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ અનેક રૂપિયા મળશે તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માંધાતાઓ સાથે મુલાકાત પણ થશે તેવી લાલચ આપી બરોડાના પ્રોડ્યુસર અને હિરોઈન એ રૂ. 9 લાખ પડાવ્યા હતા.
જો કે બાદમાં આ ફિલ્મ અપલોડ થઈ ન હતી અને જૂનાગઢના યુવક દ્વારા બરોડાના પ્રોડ્યુસર રોહિત પટેલ અને હિરોઈન પૂજા પંચાલ પાસે તેમણે રોકેલા રૂપિયા માગતા રૂપિયા આપવાની આનાકાની કરી હતી અને બાદમાં યોગ્ય જવાબ પણ ન મળતાં જુનાગઢ યુવાને બરોડાના યુટ્યુબ ફિલ્મ પ્રોડ્યૂસર અને હિરોઈન સામે જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જૂનાગઢ પોલીસ દ્વારા બરોડાના પ્રોડ્યુસર અને હિરોઈનને આ ગુનામાં પકડવા માટે તજવીજ હાથ ધરાઇ હતી.
દરમ્યાન બરોડાના ફિલ્મ પ્રોડ્યુસર રોહિત પટેલ અને હિરોઈન પૂજા દિલીપભાઇ પંચાલ કોર્ટ માંથી આગોતરા જામીન મેળવી સી ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા ત્યારે પોલીસે તેમની આગોતરા જામીન અરજી સ્વીકારી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.