બોટાદથી આરોપીને દબોચ્યો
શહેરમાં મહિલાઓને પજવણીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે. જેમાં એક સામાજિક કાર્યકર્તા મહિલાને વોટ્સએપમાં વિડીયો કોલ કરી બિભસ્ત માંગણી કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ગરીબ લોકોને જમવાની, મેડિકલ તેમજ અનાજ સહાય કરતી મહિલા સામાજિક કાર્યકરે નોંધાવેલી ફરિયાદમાં, તે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. જેમાં તેના મોબાઇલ નંબર લખ્યા હોય 23 દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી વીડિયોકોલ આવ્યો હતો સાત દિવસ બાદ ફરી અજાણ્યા નંબર પરથી બીભત્સ મેસેજ આવવા લાગ્યા હતા.
તે નંબર પણ બ્લોક કરી દેતા તે મોબાઇલ નંબર પરથી ટેક્સ મેસેજ આવવા લાગ્યા જેમાં બીભત્સ શબ્દોમાં, તારા ઘરે કોઇ ન હોય ત્યારે કોલ કરજે મને, હું તારો ફ્રેન્ડ છું, તેવું લખેલું હતું. દરમિયાન ગત તા.15ની રાત્રે ફરી વીડિયોકોલ અને બીભત્સ મેસેજ આવતા તે નંબર બ્લોક કરી ફરિયાદ કરતા સાયબર સેલના પીઆઇ વી.જે.ફર્નાન્ડિઝે ગુનો નોંધ્યો છે પોલીસ તપાસમાં મહિલાઓને પજવણી કરનાર એક જ શખ્સ હોવાનું અને તે અલગ અલગ નંબરો પરથી ફોન કરતો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં રાજકોટ જિલ્લામાં કાઉન્સિલર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓને પણ આ નંબરો પરથી બીભત્સ માગણી કરતા મેસેજ આવ્યા હોવાનું જાણવા મળતા વધુ બે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મહિલા સામાજિક કાર્યકરની ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરતાં જે મોબાઇલ નંબરો પરથી ફોન આવતા હતા તે દિશામાં તપાસ કરતા તે નંબરનું બોટાદમાં લોકેશન મળ્યું હતુ. જેથી તપાસ કરતા તે શખ્સ સામે બોટાદ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઇ છે અને તે હાલ બોટાદ પોલીસના સકંજામાં હોય ત્યાંની કાર્યવાહી પૂરી થયા બાદ તે શખ્સનો કબજો લેવામાં આવશે તેમ પીઆઇ ફર્નાન્ડિઝે જણાવ્યું છે.