પતિ અને સસરાના ત્રાસના કરેલા આપઘાતના બનાવને કોરોના ડરમાં ખપાવવા હીન પ્રયાસના મૃતકના પિયર દ્વારા આક્ષેપ
મોરબી રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીની લુહાર પરિણીતાએ ઝેરી દવા પી કરેલા આપઘાત અંગે કોરોનાના ડરના કારણે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનું જાહેર કર્યુ હતી. પરંતુ વાસ્તવિક વિગત કંઇ જુદી જ બહાર આવી છે. મૃતકને પતિ અને સસરાનો ત્રાસ હોવાનું અને 13 વર્ષના લગ્ન જીવન દરમિયાન ત્રણ વખત રિસામણએ આવ્યા હોવાનો મૃતકના પિયર દ્વારા ઘટ્ટસ્ફોટ કરાયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કલ્પતરૂ સોસાયટીમાં રહેતા નિકિતાબેન વિજયભાઇ રાઠોડ નામની 37 વર્ષની લુહાર પરિણીતાએ ગત તા.29 એપ્રિલના રોજ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં તેમનું ગતરાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક નિકિતાબેન રાઠોડનું બી ડિવિઝનના એએસઆઇ કે.વી.વાળા સહિતના સ્ટાફે ડીડી લેવડાવ્યું હતુ ત્યારે તેણીએ કોરોનાના ડરના કારણે ઝેરી દવા પીધાનું જાહેર કર્યુ હતું. પોતાના કુટુંબમાં કોરોના પોઝિટીવ આવેલી બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાથી પોતાને કોરોના થશે તો બે બાળકોનું શું થશે તેવા સતત વિચાર આવતા હોવાના કારણે એસિડ પી આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નિકિતાબેનના 13 વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું અને તેણીને પતિ અને સસરા દ્વારા ત્રાસ દેવાતો હોવાથી ત્રણ વખત રિસામણે ગયા હોવાનું તેમજ એક વખત તેણી ત્રાસથી કંટાળી પરબવાવડી સેવા કરવા જતા રહ્યા હતા અને ફરી સાસરે જવાની ના કહી દીધી હોવાથી કોરોનાના ડરના કારણે નહી પરંતુ પતિ ને સાસરાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના મૃતક નિકિતાબેનના પિયર દ્વારા આક્ષેપ કરાયા છે.