આગામી 15 દિવસ 14000 ગ્રામ પંચાયતો ‘મારૂ ગામ,
કોરોના મુક્ત ગામ’ અભિયાન ચલાવશે: રૂપાણી
‘અબતક’ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ અભિયાનનો પ્રારંભ ગણેશ ચતુર્થીથી કરવામાં આવ્યો છે. આવું જ અભિયાન આજે 1લી મે ગુજરાતના સ્થાપના દિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે ર્ક્યું છે. જેમાં ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ આગામી 15 દિવસમાં 14000 ગ્રામ પંચાયતોમાં અભિયાન ચલાવવામાં આવશે. જેમાં દરેક ગ્રામ પંચાયતની 10 સભ્યોની એક સમીતી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કોરોનાના સંક્રમણને ઘટાડવા અને કોરોનાની સારવારની વ્યવસ્થાની ગોઠવણ કરશે. સમગ્ર ગુજરાતમાંથી કોરોનાને નાબુદ કરવા માટે શહેરી વિસ્તારોમાંથી હવે કોરોના વિરોધી આ અભિયાન રાજ્યના ગામે ગામ લઈ જવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશભરમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે જ્યારે ગુજરાતમાં સઘન આયોજન અને વ્યવસ્થાથી કોરોનાના રીકવરી રેટમાં ભારે ઉછાળો આવ્યો છે. ગુજરાતના શહેરી વિસ્તારોની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમણને નાથવા થયેલા પ્રયાસોના પોઝિટિવ પરિણામો મળી રહ્યાં છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય:
રાજ્યભરમાં કોરોના મુક્ત અભિયાનમાં પંચાયતી રાજ વ્યવસ્થાને જોડાશે
ગુજરાતમાં આજે સ્થાપના દિન 1લી મે થી 15 મે સુધી રાજ્યની તમામ 14000 ગ્રામ પંચાયતોમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ચલાવાશે. આ અભિયાન અંતર્ગત દરેક ગામોમાં 10 વ્યક્તિની સમીતીની રચના કરવામાં આવશે અને આજે ગ્રામ સભામાં મારૂ ગામ કોરોના મુક્ત બને તેવા સંકલ્પ સાથે કમીટી કાર્યરત થઈ જશે. 10 વ્યક્તિઓની આ કમીટી સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરશે. સંક્રમણ ઓછુ થાય અને કોરોના દર્દીની સારવાર થાય તે માટે દરેક ગામમાં કોરોના સામે જનજાગૃતિ અને અસરકારક કામગીરીથી કોરોનાની સાકળ તોળવામાં આવશે.
રાજ્યના દરેક ગામમાં 10ની સમીતી બનાવી 14000 ગામો સુધી 1 થી 15 મે સુધી કોરોના વિરોધી ઝુંબેશની આ જનજાગૃતિ થકી રાજ્યના પંચાયતી રાજના વ્યવસ્થા તંત્રને કોરોના સામે કામે લગાવવામાં આવશે. કોરોનાની બીમારી અત્યારે દેશમાં હાહાકાર મચાવી રહી છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં બેકાબુ જેવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત કોરોનાને હંફાવવામાં સબળ પુરવાર થયું હોય તેમ પ્રથમ વખત રિકવરી રેટમાં ઉછાળો આવ્યો છે. કોરોનાને વકરતો અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ, કોવિડ-19ની ગાઈડ લાઈન, રોગના લક્ષણ દેખાય કે તુર્ત જ સારવાર, ટેસ્ટીંગ અને હવે તો 18 વર્ષથી મોટેરાઓને રસી આપવાના અભિયાનથી ગુજરાતમાં કોરોના જાજુ ટકી શકે તેમ નથી. રસીકરણ જ રામબાણ ઈલાજ પુરવાર થાય તેમ હોય આજથી રાજ્યના તમામ ગામોમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ સંકલ્પ ગુજરાતને કોરોના મુક્ત બનાવીને જ રહેશે.
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. દેશ અને દુનિયાભરમાં આવનારો કાળ ભારે કષ્ટદાયક હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે મહામારીની આંધીમાં ગુજરાતે પોતાની વિશેષ કોઠાસુઝ અને આયોજનથી કોરોનાને હંફાવવાનો સંકલ્પ કર્યો છે તેના સારા પરિણામો પણ મળી રહ્યાં છે. આજે સમગ્ર દેશમાં કોરોનાનો આંક 4 લાખના આંકને પાર કરી ચૂક્યો છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં સ્વયંભૂ રીતે ઉભી થયેલી જાગૃતિ અને તંત્રના તબક્કાવાર આયોજનથી કોરોનાની આ લહેર ધીમે ધીમે ઓસરતી જતી હોય તેમ પરિણામો સકારાત્મક જોવા મળી રહ્યાં છે.