આજે મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પર કબ્જો કોણ જમાવશે ?: ભારે રોમાંચ
આજે રાજાઓના રાજા ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સર્વોપરિતાનો જંગ સાંજે 7:30 કલાકે ખેલાવવાનો છે. આઈપીએલની 13મી સિઝનમાં ચેમ્પિયન તરીકે સામે આવેલી મુંબઇ ઇન્ડિયન્સ હાલ સુધી છમાંથી ત્રણ મેચ જીતી શકી છે પરંતુ મુંબઈએ તેમના છેલ્લા મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી મ્હાત આપી જોરદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે બીજી બાજુ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઈપીએલની 14મી સિઝનમાં પૂરેપૂરી ફોર્મમાં છે. તેમના મોટા ભાગના ખેલાડીઓ પણ ફોર્મમાં હોવાથી ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે છે. આજે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ખરાખરીનો જંગ જામનાર છે.
મુંબઈએ તેના છેલ્લા મેચમાં રાજસ્થાન સામે જે આસાનીથી ગુરુવારે વિજય મેળવ્યો તેના પરથી એવું લાગે છે કે, ફરી તેઓ યોગ્ય સમયે આઈપીએલમાં તેની આગવી ઈમેજ અને ધાક સાથે રમવા માંડયા છે. મુંબઈ માટે જમા પાસું એ છે કે, રોહિત શર્મા મોટો સ્કોર ન કરે તો પણ તેઓ હરીફ ટીમ માટે પડકારજનક સ્કોર ખડકી શકે છે. મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો આજે સાંજે 7:30 થી જોરદાર ફોર્મમાં રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. મુંબઈએ પણ તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ છમાંથી પાંચ મેચ જીતી દસ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. તેઓ છમાંથી ત્રણ મેચ જીત્યા છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. મુંબઈ માટે સૌથી ખુશીની વાત એ છે કે, તેઓનો મેચવિનર ડી કોક રાજસ્થાન સામે 70 રનની અણનમ ઇનિંગ રમી ફોર્મમાં આવી ગયો છે.
રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવ હજુ તેમની જાણીતી બેટિંગ નથી બતાવી શક્યા પણ હવે તેઓ નિર્ણાયક સમયે ઝળકશે તો ચેન્નઈ, બેંગ્લોર માટે ટોપ પોઝિશન માટે પડકાર ઊભો કરી શકે તેમ છે. હાર્દિક-કૃણાલ પંડ્યા અને પોલાર્ડ પણ હીટર તરીકે ખીલ્યા છે. મુંબઈ તરફથી બુમરાહ તો ઈકોનોમિકલ છે જ પણ રાહુલ ચહર 11 વિકેટ સાથે મુંબઈનો અગ્રીમ હરોળનો બોલર બન્યો છે. પ્લેઇંગ ઇલેવનમાં મુંબઈ ઈશાન કિશનને રમાડે છે કે નાઇલને જાળવી રાખે છે તે પણ જોવાનું રહ્યું.સામે ચેન્નઈના ડયું પ્લેસીસ અને ગાયકવાડ પૂરેપૂરા ફોર્મમાં છે. રાયડુના-રૈનાની મોટી ઇનિંગની તલાશ છે. જાડેજા અને મોઈન અલી ચેન્નાઈના ટ્રમ્પકાર્ડ જેવા પુરવાર થયા છે. ધોની બેટીંગ ઓર્ડરમાં નીચલા ક્રમે રહે છે તેથી તેને ખાસ કંઈ કરવાનું નથી આવ્યું. ચેન્નઈનો સ્ટાર બોલર દીપક ચહર છે. સેમ કરણ પણ ઉપયોગી છે. જ્યારે ઠાકુરે તેનું ફોર્મ મેંળવવું પડશે.