ચોથા તબક્કાના રસીકરણનો ધમધમાટ શરૂ
હાલ કરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાવી રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. એમાં પણ હાલની બીજી લહેરને નાબુદ કરવા ભારતમાં રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે. જેના ભાગરૂપે હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર, 45- 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કર્યા
બાદ હવે આજથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને “કોરોના કવચ” આપવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશનાં છ રાજ્યોમાં રસીકરણના ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. આજરોજ આપણા ગરવા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે 18+ ને માટે રસીકરણ અભિયાનના શ્રી ગણેશ થયા છે. હજુ આગામી સપ્ટેમ્બરથી ઓકટોબર માસમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવશે અને કદાચ ત્યાર બાદ વાયરસનો ખાત્મો થશે. પરંતુ બીજી લહેરમાં હચમચ્યા બાદ હવે આગામી ત્રીજી લહેરમાં ખતરનાક સ્થિતિ ઊભી થાય એ ગુજરાત રસીકરણથી સજ્જ થઈ જાય એ માટે રૂપાણી સરકારે ધમધમાટ શરૂ કરી દીધો છે.
રાજકોટ સહિત 10 જિલ્લામાં યુવાઓને રસી આપવાનું શરૂ
રાજ્યના વધુ સંક્રમણ વાળા 10 જિલ્લાઓમાં હાલ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને ભાવનગર સહિતના મહાનગરો ઉપરાંત ભરૂચ, મહેસાણા અને કચ્છમાં ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. જે લોકોએ કોવિન પોર્ટલ તેમજ આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જેમને આ માટે મેસેજ મળી ગયા છે તેમને રસી અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રૂપાણી સરકારે જણાવ્યું હતું કે 1લી મેથી શરૂ થનારા 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે સરકારે અગાઉથી જ અઢી કરોડ ડોઝના રસીના જથ્થા માટે ઓર્ડર આપી દીધો છે. જેમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડ ના બે કરોડ ડોઝ અને ભારત બાયોટેકની રસી કોવેકસીનના 50 લાખ ડોઝનો સમાવેશ છે.