ગુન્હાહિત કૃત્યો આચરી ભેગી કરેલી રકમ પોલીસ દ્વ્રારા કબ્જે લેવાતા ગુજસીટોકના ગુન્હામાં પકડાયેલ નિખીલ દોંગાના મીત્ર દ્વારા રોકડ રકમ પરત મેળવવા કરેલી અરજી સ્પેશીયલ અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસની હકીકત મુજબ ગોંડલ પંથકના કુખ્યાત નિખીલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગા તથા તેના સાગરીતો સામે ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરતા જણાવેલ હતુ કે, તમામ આરોપીઓ નિખીલ દોંગાની આગેવાની હેઠળ સંગઠીત ગુન્હા આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષપ્રેરણ પુરી પાડી છેલ્લા 10 વર્ષોમાં રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના જિલ્લાઓમાં શરીર સંબંધીત તથા મિલ્કત સંબંધીત અસંખ્ય ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરી મીલ્કત બળજબરીથી પચાવી પાડી અને મોટા નાણાકીય હવાલાઓ પોતાના અંગત આર્થિક લાભ ખાતર લઈ સમગ્ર ટોળકીની મદદથી ગુન્હાહિત પ્રવૃતીઓ આચરી હતી અને અસંખ્ય લોકો આ ગુન્હાહિત ટોળકીનો ભોગ બનેલા હોય નિખીલ દોંગા સહીત 12 લોકો વિરૂધ્ધ ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
ત્યારબાદ તપાસ દરમ્યાન જેતે સમયના ગોંડલના જેલર તથા અન્ય આરોપીઓના નામો ખુલતા તમામ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુન્હાહિત ટોળકીના નાણાકીય વ્યવહારોના મુળ સુધી પહોંચવા જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા ચાર્ટડ એકાઉન્ટન્ટ સહીત ફાયનાન્શીયલ બાબતોના નિષ્ણાંત વ્યકિતઓની મદદથી આરોપીઓ દ્વારા ગુન્હાહિત કૃત્યો કરી ભેગા કરાયેલ નાણા તથા મિલ્કતોના હિસાબ બાબતે તપાસ કરવામાં આવતા આરોપી નિખીલ દોંગાએ ગુન્હાહિત કૃત્યો કરી મેળવેલ રકમો વિવિધ મિલ્કતોમાં અલગ અલગ લોકોના નામે રોકાણ કરેલ હોવાનુ સામે આવતા પોલીસ દ્વારા નિખીલ દોંગાના જુના મિત્ર મનોજકુમાર છગનભાઈ ગોંડલીયાના ઘરે રેઈડ કરતા રેઈડ દરમ્યાન ઘરમાંથી બીનહિસાબી રૂપીયા બે લાખની રકમ તથા જમીનના દસ્તાવેજો મળી આવતા પોલીસ દ્વારા ગુન્હાના કામે રોકડ રકમ તથા દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.
રોકડ રકમ પોલીસ દ્વારા કબ્જે કરાતા નિખીલ દોંગાના મિત્ર મનોજકુમાર ગોંડલીયાએ રાજકોટની સ્પેશીયલ અદાલતમાં 2કમ પરત મેળવવા અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારોની દલીલોના અંતે સ્પેશીયલ અદાલતે અરજદાર મનોજ ગોંડલીયા ગેંગ લીડર નિખીલ દોંગા સાથે મળેલ હોવાનું અને કબ્જે કરાયેલ રકમ ગુન્હાખોરી કરી મેળવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની અરજદારની અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીએ ધારદાર રજૂઆતો કરી હતી.