કોવિડના દર્દી તાલાળના પરબતભાઇ જેન્તીભાઇ ચાવડા ઓક્સિજનના 92 લેવલ અને ફેફસામાં 60 ટકા ઇન્ફેકશનના સી.ટી.સ્કેનના રીપોર્ટસ લઇને રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે દાખલ થયા. તાલાળા અને જૂનાગઢમાં એક પણ બેડ ન મળતાં તેઓ ઉચ્ચક જીવે રાજકોટ સારવાર માટે આવ્યા હતા. અહીં તેમને તરત જ ઓક્સિજન અને અન્ય સવલતો પુરી પડવામાં આવી. એટલે તેમનો કોરોના જલ્દીથી કાબુમાં આવ્યો અને તબિયત સ્હેજ સારી થતાં પરબતભાઇને કેન્સર હોસ્પિટલના કેવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા.
કેન્સરના કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયા પછી પણ પરબતભાઇની મુશ્કેલીઓ ઘટી નહીં. પરબતભાઇને એટલી બધી નબળાઇ લાગતી હતી કે તેઓ જાતે જમી પણ નહોતા શકતા. આ સ્થિતિમાં તેમને સેન્ટરના એટેન્ડન્ટસ સવારની ચા અને નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જયુસ અને રાત્રિનું ભોજન નિયમિત અને કોઇ પણ સંકોચ વગર કરાવતા. એ બાબતનો ઉલ્લેખ કરતાં તેમના પુત્ર કેવિનભાઇ ભાવુક થઇ ગયા હતા. હવે પરબતભાઇની તબિયત સુધારા પર છે, અને તેમને 4 દિવસમાં રજા આપશે, એમ કેવિનભાઇએ ઉમેર્યું હતું.તાલાળાથી રાજકોટ આવેલા કેવિનભાઇ સેન્ટરની બહાર દર્દીઓના સગાંઓ માટે ઉભા કરાયેલા ડોમમાં જ રહે છે. અને રાત્રે ત્યાં સુઇ પણ જાય છે. તેમના જેવા અન્યો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચા-પાણી, બેસવા અને સુવાની વ્યવસ્થા, ગરમીથી બચવા માટે પંખા વગેરેની સગવડ કરી દેવાઇ છે, જે બદલ તેમણે જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કોરોનાના કપરા કાળમાં જિલ્લા વહીવટીતંત્ર માનવીય અભિગમ સાથે દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે, અને માનવતાની સુવાસ ચોમેર પ્રસરાવી રહયું છે, જેની નોંધ સર્વ દર્દીઓ અને તેમનાં સગાંઓ લઇ રહયા છે, અને સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દર્શાવી રહયા છે.