કરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાઈ રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. એમાં પણ હાલની બીજી લહેરને નાબુદ કરવા ભારતમાં રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે. હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવનારા લોકોને રસી આપવાનું શરૂ કર્યા બાદ હવે આવતીકાલથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાનું મહાઅભિયાન શરૂ થવાનું છે. આ માટે અત્યાર સુધીમાં 3 થી 4 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. યુવાઓમાં “કોરોના કવચ” મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે 18+ લોકોને આવતીકાલથી વિના મૂલ્યે રસિ આપવાનું શરૂ થઈ જશે તેમ રૂપાણી સરકારે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે આવતીકાલથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાનું શરૂ થશે અને એ પણ વિનામૂલ્યે જ અપાશે. ગુજરાત રાજ્યના જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ છે તેવા જિલ્લાઓને પ્રાથમિકતા આપી આવતીકાલે અહીંથી જ અભિયાનની શરૂઆત કરશે. જેમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને ભાવનગર સહિતના મહાનગરો ઉપરાંત ભરૂચ, મહેસાણા અને કચ્છનો સમાવેશ છે. આ 10 જિલ્લાઓમાં આવતીકાલથી 18+ લોકોને માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થઇ જશે. જે લોકોએ કોવિન પોર્ટલ તેમજ આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને રસી મળશે. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે જણાવ્યું હતું કે ૧લી મેથી શરૂ થનારા 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે સરકારે અગાઉથી જ અઢી કરોડ ડોઝનો રસીનો જથ્થા માટે ઓર્ડર આપી દીધો છે.
મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા, જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર, જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.
ગુજરાતની વાત કરીએ તો 29 એપ્રિલે સવારે 7 વાગ્યાની સ્થિતિ સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિને પ્રથમ ડોઝનું, જ્યારે 22,67,033 વ્યક્તિનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. દેશનાં જે રાજ્યોમાં રસીકરણના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા હોય એમાં મહારાષ્ટ્ર 1.55 કરોડ ડોઝ સાથે મોખરે, રાજસ્થાન 1.28 ડોઝ સાથે બીજા, ઉત્તરપ્રદેશ 1.21 ડોઝ સાથે ત્રીજા તથા ગુજરાત 1.20 ડોઝ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 1.06 કરોડ ડોઝ સાથે પાંચમા સ્થાને છે.