જામનગરમાં સરકારની માર્ગદર્શિકાની અમલવારીને પગલે આંશિક લોકડાઉનની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડ, ખાણીપીણીના ધંધાઓ, આવશ્યક સેવા સિવાયની બહુમાળી ઇમારતોમાં થતી ધંધાદારી પ્રવૃત્તિઓ, સ્વિમીંગપુલ, સિનેમા હોલ વિગેરે બંધ થયા છે. આજે બીજા દિવસે પણ રેસ્ટોરન્ટ અને માર્કેટ યાર્ડ સુમસામ જોવા મળ્યાં હતાં. કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઇ છે.
હઇકોર્ટે ગુજરાત સરકાર અને સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે સુઓમોટો દાખલ કરી ભારે ટિકા કરી છે છતાં ગેંડા જેવી ચામડીવાળી સરકારને કોઇ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. ન્યાયતંત્ર અને લોકોને ઉઠા ભણાવવાના ઇરાદે સરકારે આંશિક લોકડાઉન જાહેર કર્યું અને તેનો અમલ તાત્કાલિક કરાવવો શરૂ કર્યો છે. જામનગરમાં આવેલ માર્કેટ યાર્ડ (હાપા) તેમજ શહેરમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટ આજે બીજા દિવસે પણ સુમસામ જોવા મળી હતી. જો કે રેસ્ટોરન્ટને પાર્સલ સુવિધા ચાલુ રાખવાની પરવાનગી અપાઇ છે. પરંતુ મહદઅંશના આ લોકડાઉન સમાન નિર્ણયને કારણે રેસ્ટોરન્ટના ધંધામાં ફરી હંગામી મંદી આવી છે.