કોંગ્રેસ માટે આંકડા અને ઓળખની રમત રહેનાર ‘આધાર’ને મોદી સરકારે ગરીબોને અપાતી સહાયથી તેમજ કાળા નાણા અને કરપ્શનના દુષણ નાથવાનો મુદો બનાવ્યો
આગામી ૨૦૧૯ લોકસભા ચુંટણીને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત લોકસભા ચુંટણીને ધ્યાને લઈને રાજકીય પક્ષો દ્વારા એકશન પ્લાન પણ ઘડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન દરમિયાન કરેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને વિપક્ષમાં આંતરિક તડાપાર ભાજપનું પાસુ મજબુત બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની લોકચાહના આસમાને પહોંચી છે. વધુમાં લોકોના પ્રશ્ર્નો અને જરૂરીયાતો મુદે ઝડપથી લેવાતા નિર્ણયો ભાજપ સરકાર માટે ખુબ અસરકારક બની રહ્યા છે અને ૨૦૧૯ ચુંટણી માટે જમા પાસું રહેશે. આ ઉપરાંત ‘આધાર’ નરેન્દ્ર મોદી માટે ૨૦૧૯ ચુંટણીનું બ્રહ્માસ્ત્ર બની રહેશે.
ત્રણ વર્ષના શાસનમાં ઉતરપ્રદેશ, તામિલનાડુ સહિતના રાજયોની રાજકીય પરિસ્થિતિમાં ઘણી ઉલટ સુલટ થઈ છે. જેમાં કોંગ્રેસને ફટકો પડયો છે. વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની જોડીએ મહાગઠબંધનને વેરવિખેર કરી નાખ્યું છે. હવે આવતા વર્ષે કર્ણાટકની ચુંટણીમાં વિજયની શકયતા જ કોંગ્રેસની એકમાત્ર આશા છે. કોંગ્રેસ સહિતના પક્ષો પાસે મોદીને ૨૦૧૯માં હરાવવા કોઈ ખાસ રણનીતિ નથી.
કોંગ્રેસની મહાત્વાકાંક્ષી યોજના ‘આધાર’ મોદીએ છીનવી લીધી છે. કોંગ્રેસ માટે ‘આધાર’ માત્ર આંકડાની રમત હતી જયારે મોદીએ ‘આધાર’ના ઉપયોગને એક નવી દિશા અને દશા આપી છે. ગરીબોને અપાતી સહાયથી લઈ કાળા નાણાના દુષણને નાથવા સહિતના મુદાને મોદી સરકારે આધાર સાથે જોડી દીધા છે. આધારથી સરકાર દ્વારા જાહેર થતી સહાય સીધી ગરીબો પાસે પહોંચશે તેવું અનેક લોકો માને છે. પરિણામે આધાર ઉપર ગરીબોનો વિશ્ર્વાસ છે.
મોદી સરકારે આધારને એન્ટી કરપ્શન તેમજ એન્ટી બ્લેક મની સામેના શસ્ત્ર તરીકે લોકો સમક્ષ રજુ કર્યું છે. આધાર સામે પ્રાઈવસીનો મુદો જ વિપક્ષ પાસે છે. જોકે મોદી સરકાર અડચણને અવસરમાં બદલવાની કળા સારી રીતે જાણે છે માટે આધારને જ આગળ ધરીને મોદી સરકાર ૨૦૧૯ લોકસભા જીતવા લોકોને રીઝવશે. એકંદરે આધાર ૨૦૧૯ લોકસભા જીતવા મોદી સરકારનું બ્રહમાસ્ત્ર બની રહેશે.