ભારત અને ચીન ડોકલામથી તેમના સૈનિકોને પાછા હટાવવા માટે રાજી થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે સોમવારે આપેલા નિવેદનથી આ પ્રમાણેના સંકેતો મળી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે ડિપ્લોમેટિક કોમ્યુનિકેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન અમે એકબીજાની ચિંતાઓ અને હિતની વાત કરી છે. આ આધાર પર ડોકલામથી જવાનોને ‘ડિસએંગેજમેન્ટ’ની મંજૂરી મળી છે. આ પ્રોસેસ ચાલુ છે. બંને દેશો સીમા પરથી ધીમે ધીમે તેમના સૈનિકો પાછા લેશે. ચીન ડોકલામમાં રસ્તો બનાવવા ઈચ્છતુ હતું અને ભારત તેનો વિરોધ કરી રહ્યું હતું. માનવામાં આવે છે કે, હવે છેલ્લા 72 દિવસથી ચાલતા ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે.
હાલનો વિવાદ શું હતો?
– ચીન સિક્કિમ સેક્ટરના ડોકલામ વિસ્તારમાં સડક બનાવી રહ્યું હતું. ડોકલામના પઠારમાં જ ચીન, સિક્કિમ અને ભૂટાનની સીમાઓ મળે છે. ભૂટાન અને ચીન આ વિસ્તાર પર દાવો કરે છે. ભારત ભૂટાનનો સાથ આપે છે. ભારતમાં આ વિસ્તાર ડોકલામ અને ચીનમાં ડોંગલાંગ કહેવાય છે.
– ચીને જૂનની શરૂઆતમાં અહીંયા સડક બનાવવાનું શરૂ કર્યું. ભારતે વિરોધ દર્શાવ્યો તો ચીને ઘૂસણખોરી કરી. ચીને ભારતના બે બંકરો તોડી નાખ્યા. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે.
– હકીકતમાં સિક્કિમનો મે 1975માં ભારતમાં વિલય થયો હતો. ચીન પહેલા તો સિક્કિમને ભારતનો હિસ્સો માનવાથી ઇન્કાર કરતું હતું, પરંતુ 2003માં તેણે સિક્કિમને ભારતના રાજ્યનો દરજ્જો આપી દીધો. જોકે, સિક્કિમના ઘણા વિસ્તારોને તે પોતાના બતાવે છે.